માગું છું ફૂલ જેવું જીવન હું મર્યા પછી,
ખર્યા પછીયે ફૂલમાં બાકી સુગંધ છે.
– કુતુબ ‘આઝાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યારોસ્લાવ સાઈફર્ત

યારોસ્લાવ સાઈફર્ત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિશ્વ-કવિતા:૦૧: મારી કવિતા – (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા

દુનિયામાં રચાતી
શતસહસ્ત્રો કવિતામાં
મેંય ઉમેરી છે મારી કવિતા.

જાણું છું-
તમરાંના અવાજ જેટલી યે સાથે નહીં હોય
ચન્દ્રની માટી પર દેખાતા ચિહ્નો
જેવો ચમત્કાર પણ ક્યાંથી વળી?
ના, એટલું અજવાળું પણ નહીં
ને છતાંય મને પ્રિય છે મારી ભાષા.

ભાષાનું એ અદકેરૂં રૂપ
જે ખામોશ હોઠ પર થરથરાટ સર્જે છે
રક્તિત આભાથી ન્હાતાં મેદાનો પરથી
ધી…ર સૂર્યાસ્તના ઉજ્જવળ પ્રકાશે
ચાલ્યે જતા યુવા પ્રણયીઓનાં
ચુમ્બનમાં તે પલટાઈ જશે.
ક્યારની આપણી સંગાથે છે કવિતા
પ્રેમની જેમ.
ભૂખની જેમ.
મહામારી આજે યુદ્ધ સરખી
મૂર્ખતાથી લજ્જિત થઈ અનેકવાર
પણ તેથી શું ?
મારે નથી કરવો ખુલાસો,
હું જાણું છું-
સુન્દર શબ્દોની ખોજ
અનેકગણી બહેતર છે, હત્યાઓથી.

-યારોસ્લાવ સાઈફર્ત (ચેકોસ્લોવેકિયા)
અનુ. વિષ્ણુ પંડ્યા

વિશ્વયુદ્ધોએ માણસને જેટલો તોડ્યો છે, શબ્દોએ એટલો જ જોડ્યો છે. બૉંબ, ગોળીઓ, તોપથી રેડાતા શોણિતની વચ્ચે હતાશા, ભય અને આતંકની પ્રેતછાયાઓ શ્વાસમાં લેતા મનુષ્ય માટે તમરાંના અવાજ જેવી ક્ષીણ અને ચંદ્રયાત્રા જેવા ચમત્કારવિહોણી કે ઘસાઈ-ઘસાઈને પોતાનો પ્રકાશ ગુમાવી ચૂકેલી ભાષા જ એક આશ્વાસન છે અને એટલે જ હજારો લાખો કવિતાઓ લખાઈ ચૂકી હોવા છતાં કવિ એમાં પોતાની કવિતા ઉમેરતા રહે છે. જે મેદાનો પર યુદ્ધમાં રેડાયેલા રક્તની લાલાશ છવાઈ છે ત્યાં જ થશે પ્રેમીજનોના ચુમ્બનોની લાલીનો સૂર્યોદય. પ્રેમ અને ભૂખ એ સૃષ્ટિના તીવ્રતમ સંવેદન છે. કવિ કવિતાના શબ્દને બંનેની જોડાજોડ મૂકે છે કારણ કે એ જાણે છે કે સુંદર શબ્દોની શોધ જ અંતે તો કોઈપણ હત્યાથી અનેકગણી બહેતર છે.

સાઈફર્ટ 1984માં સહિત્ય માટેનું નોબેલ-સમ્માન મેળવનાર પ્રથમ ચેક કવિ હતા. (જન્મ:23-09-1901, મૃત્યુ:10-01-1986)

Comments (3)