આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લતા હિરાણી

લતા હિરાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લે, આ વરસ્યું જળ – લતા હિરાણી

લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…

બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..

દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…

– લતા હિરાણી

કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.

Comments (17)

સ્વાગત-સપ્તાહ :૦૩: સન્નાટાજી – લતા હિરાણી

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી?
હે સન્નાટાજી!

તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી!

પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા, જો
ઝાંખી પાંખી નીંદરને ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી!

હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !

અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !

– લતા હિરાણી

લયસ્તરો પર સર્જકના ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ને સસ્નેહ વધાવીએ…

સારું ગીત ઉપાડ લેતાવેંત ભાવકને ચસોચસ બાંધી લેતું હોય છે. સુરેશ દલાલે કહ્યું હતું કે ગીત એના મુખડામાં જ શરૂ થઈ પૂરું પણ થઈ જતું હોય છે. સાચી વાત છે. કવિએ જે હૃદયોર્મિ વ્યક્ત કરવી છે, એ તો મુખબંધમાં જ રજૂ થઈ જાય. એ પછી બાકીના ગીતમાં તો એનો ચિતોવિસ્તાર જ કરવાનો રહે. આ ગીત ઉભય કસોટીઓ પર ખરું ઉતરે છે. એક તો સન્નાટાને સંબોધીને વાત કરાઈ હોવાથી ભાવક કાવ્યારંભે જ સાનંદાશ્ચર્ય અનુભવે અને બીજું, આ સંબોધનમાં સર્જકે માનવાચક ‘જી’ ઉમેરી ચેરી ઓન કેક જેવી ફ્લેવર ઉમેરી છે. સામાન્ય રીતે સન્નાટો તો સીમ અને કેડામાં રાજ કરે, અને ધગધગતો ઉનાળો હોય ત્યારે ગામમાં પણ. પણ અહીં એ કથક ફરતે આંટા મારી રહ્યો છે. એટલે કથક સન્નાટાને માનપૂર્વક પૂછે છે કે નિયત સ્થાનો પર પસંદગીનો કળશ ન ઢોળતાં આપશ્રી અમારી આજુબાજુ શીદ આંટા મારી રહ્યા છો? આવું મજાનું મુખડું કોને વશીભૂત ન કરે! મુખડાથી આગળના ગીતનો આનંદ ભાવકની ભાવનક્ષમતા ઉપર છોડી દઈ વિરમું…

Comments (6)

સ્વાગત-સપ્તાહ :૦૨: ચટ્ટાનો ખુશ છે – લતા હિરાણી

ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.

– લતા હિરાણી

લયસ્તરો પર કવયિત્રીના નવ્ય અછાંદસ સંગ્રહ ‘સાવ કોરો કાગળ’નું સહૃદય સ્વાગત…

વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-

Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up

સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.

Comments (18)

નરસૈયાનું નામ જ લેતાં – લતા હિરાણી

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

– લતા હિરાણી

રાજસ્થાનમાં એક મીરાં થઈ ગઈ ને ગુજરાતમાં એક નરસિંહ. આ બે ભક્ત વિના તો કૃષ્ણનેય કદાચ અધૂરું લાગે. કૃષ્ણપ્રેમની કવિતા તો ઘણા લખી ગયા, ઘણા લખશે પણ લતા હિરાણી જરા અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની રચના લઈ આવ્યા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેનો શ્વાસ પૂર્ણને પામી જાય છે એ अहं ब्रह्मास्मि છે, એ જ આદિ, એ જ મધ્ય ને એ જ અંત પણ. કણ-કણમાં પછી એ જ. અને એકવાર જે મોરના પિચ્છધર પાસે પ્રેમરસ પી લે એનું ઉર છલકાઈને સમસ્તિ સાથે એકરસ થઈ જાય છે. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગીતરચના…

*

કેવી મોટી ભૂલ! અમેરિકાથી મિત્ર દેવિકાબેન ધ્રુવે ધ્યાન ન દોર્યું હોત તો આખું કોળું જ શાકમાં ચાલ્યું ગયું હતું. ગીતરચનાનો પરિચય ભૂલથી ગઝલ તરીકે અપાઈ ગયો. વાચકમિત્રોની અને લતાબેનની ક્ષમા સાથે ફેરફાર કરી લઉં છું…

Comments (16)

(-) – લતા હિરાણી

પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….

– લતા હિરાણી

ખરતાં પાનની લીલી વાતો…

Comments (8)

મૌન – લતા હિરાણી

હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..

– લતા હિરાણી

વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું !

Comments (12)

ઝાકળબુંદ : _૧૦ : ‍મારો સૂર – લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

– લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે !! લતાબેનના કાવ્યો અલગ જ ભાત પાડે છે. એમની રચનાઓનો બ્લોગ છે ‘સેતુ’.

Comments (10)