આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગોવિન્દ સ્વામી

ગોવિન્દ સ્વામી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાસના – ગોવિન્દ સ્વામી

(સ્વતંત્ર સૉનેટસ્વરૂપ, છંદ: પૃથ્વી, ચોથી પંક્તિ: પૃથ્વીતિલક)

પ્રસુપ્ત અહિરાજ આહ ! દઈ ડંખ ચાલ્યો ગયો.
રગેરગ મહીં જતાં પસરી ઝેર, ભાંગી પડે
બધું બદન, તપ્ત નેત્ર રુધિરાશ્રુઓ નિઃસ્ત્રવે.
ન હું અજર નીલકંઠ કંઠમહીં ઝેર ધારું જ, કે
ત્રિનેત્ર બની નેત્રથી વિષદ ભસ્મભેગો કરું.
હરિત્ તૃણ બિછાત ને સુરભિવંત પુષ્પોભર્યા
વને વિહરતાં મને ચટકી ડંખ ઝેરી દઈ,
પ્રસુપ્ત અહિરાજ જાગ્રત બની જ દોડી ગયો.

હવે ન કંઈ ભાન, વાન સહુ નીલરંગી બને.
સુકાય ગળું, ને તૃષાર્ત ભટકું અહીંથી પણે.
જતાં પસરી ઝેર, ઘેન સહુ અંગઅંગે ચડે;
વિમૂઢ બની ઘેનમાં વિકલ આથડે ને પડે.

ચડ્યું બદન કાલકૂટ, નયને લીલૂડાં રમે.
હવે સ્મરણ ના કશું ય, નહિ વાસના યે દમે !

-ગોવિન્દ સ્વામી

અમદાવાદના ગોવિંદભાઈ વાડીભાઈ સ્વામી આયુર્વેદની પદવી ધરાવતા અને વૈદક કરતા હતા. ‘ફાલ્ગુની’નામના ત્રિમાસિકના તંત્રી હતા. (જન્મ:૦૬-૦૪-૧૯૨૧, મૃત્ય:૦૫-૦૩-૧૯૪૪; પુસ્તક: “મહાયુદ્ધ” (પ્રજારામ રાવળ સાથે), મરણોત્તર કાવ્યસંપાદન: “પ્રતિપદા” (ઉમાશંકર જોશી, સુન્દરમ્ અને પ્રજારામ રાવળ દ્વારા)
સર્પ આપણે ત્યાં કામ-વાસનાનું પ્રતિક મનાય છે. વાસનાનો સૂતેલો સાપ અચાનક ડંખ દઈ જતા રગેરગમાં જે ઝેર પ્રસરી ગયું એનાથી આખું શરીર ભાંગી પડ્યું. ન તો નીલકંઠની જેમ એ ઝેરને ગળામાં અટકાવી શકાતું કે નથી એમની જેમ ત્રીજું નેત્ર ખોલીને કામદેવ નામના સાપને બાળીને ભસ્મ કરી શકાતો. લીલું ઘાસ અને ખુશ્બૂદાર પુષ્પોભર્યા વનમાં વિહાર જાણે સૂતેલી વાસનાને જાગૃત કરતા સંજોગોનો નિર્દેશ કરે છે. વાસનાના ડંખે હવે કોઈ ભાન રહ્યું નથી. શરીરનો રંગ બદલાઈ ગયો છે અને શોષ પડે છે. અંગઅંગમાં આ વિષ ચઢતાં વિમૂઢ બનીને આથડવા-પડવા સિવાય હવે નસીબમાં રહેશે પણ શું?

કામ જ્યારે રમણે ચડે છે ત્યારે માણસની આંખોના ભાવ બદલાઈ જાય છે. આપણે આવા માણસને જોઈને કહીએ છીએ કે એની આંખમાં તો સાપોલિયાં રમે છે. એ રૂઢીપ્રયોગનો ઉપયોગ અહીં થયો છે. વાસનાના લીલા સાપ આંખમાં રમે છે અને હળાહળ ચડ્યું હોય એમ આખું શરીર કામાગ્નિથી ભડભડી રહ્યું છે. આ વાસનાનું દમન પણ થઈ શકે એમ નથી અને આ વાસના અન્ય કંઈ યાદ પણ રાખવા દે એમ નથી. અગ્નિથી જે ધાતુ તપીને લાલચોળ થાય એમ કામાગ્નિ સામે શરીરને નીલું પડતું બતાવીને પણ કવિએ સૉનેટને ધાર બક્ષી છે.

(પ્રસુપ્ત=સૂતેલું, અહિરાજ=સાપરાજ, વિષદ=સાપ, કાલકૂટ=સમુદ્રમંથનના અંતે નીકળેલું હળાહળ ઝેર જે શંકરે પીધું હતું અને ગળામાં અટકાવી રાખ્યું હતું જેના કારણે એ નીલકંઠ તરીકે ઓળખાયા.)

Comments (3)