કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હિમાંશુ વ્હોરા

હિમાંશુ વ્હોરા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પ્રતિબદ્ધ - હિમાંશુ વ્હોરાપ્રતિબદ્ધ – હિમાંશુ વ્હોરા

હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.

ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.

હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.

હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.

હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.

હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.

– હિમાંશુ વ્હોરા

માણસે પ્રગતિની મોટી કિંમત ચૂકવી છે અને હજુ વધારે ચૂકવશે. પ્રગતિ તો માણસો મૂળ ગુણ છે. પ્રગતિની ઈચ્છાને છોડી શકવા તો લાંબે ગાળે આપણે કોઈ સમર્થ છીએ જ નહીં. એ સંજોગોમાં આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ. અને એ કામ અશક્ય નથી જ. જુઓ એક અને બે.

Comments (4)