આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેન્દ્ર જોશી

મહેન્દ્ર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તડકાનું નામ – મહેન્દ્ર જોશી

હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

-મહેન્દ્ર જોશી

કેટલીક કવિતા એવી હોય છે કે પહેલીવાર વાંચો ત્યારે માત્ર અડે અને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડતા રહે. કેટલાક કાવ્ય એવાં હોય છે જે વાંચતાની સાથે અડી તો જાય જ, સમજાઈ પણ જાય. અને કેટલીક કવિતા વળી એવી હોય છે કે પહેલી નજરનાં પ્રેમ સમી અડી તો તરત જ જાય પણ પછી સમય સાથે જેમ પ્રેમના, એમ એ કવિતાના અર્થ પણ જેટલીવાર વાંચો, બદલાતા લાગે. મહેન્દ્ર જોશીનું આ ગીત આ ત્રીજા પ્રકારની કવિતાના સ-રસ ઉદાહરણ તરીક ગણી શકાય… વાંચો… મમળાવો અને ગાઓ…

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ.

Comments (1)