‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું !
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયન્ત ઓઝા

જયન્ત ઓઝા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – જયન્ત ઓઝા

એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.

બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.

આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર !

ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.

આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર.

– જયન્ત ઓઝા

ગઝલનો મત્લો જરા ધ્યાનથી જોઈએ તો મારા જેવા મોટાભાગનાને તો આત્મકથા વાંચતા હોય એવું જ લાગશે… નહીં? બધા જ શેર મને ગમી ગયા, પણ સવિશેષ સ્પર્શી ગયો તે આ – ચામડી જાડી થવા લાગી હવે,પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર… આપણી સંવેદનાઓના થતા જતા હનનને કેટલી સહજતાથી કાવ્યમાં મૂકી દીધું, જાણે ફૂલની પાંખડી પર પતંગિયું !

Comments (6)