સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર !
નર્મદ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિતુ પુરોહિત

જિતુ પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપી દે ! -જિતુ પુરોહિત
ગજવું કફનમાં - જિતુ પુરોહિતઆપી દે ! -જિતુ પુરોહિત

અવસર ભીની ક્ષણ આપી દે,
ખોબો નહિ તો કણ આપી દે.

લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
પછી ભલે તું રણ આપી દે.

કબીરને આપ્યું’તુ એવું,
એકાદું વળગણ આપી દે.

જીવતર થાય સફળ જેનાથી,
સમજણ તું બે-ત્રણ આપી દે.

ભલે હોય એ પળ બે પળનું,
સોનેરી સગપણ આપી દે.

-જિતુ પુરોહિત

અહીં આખી ગઝલમાં કવિની સીધેસીધી માંગવાની રીત (ખાસ કરીને મત્લાનો શેર) શ્રી સુન્દરમ્ ની પ્રભુ પાસે માંગવાની પેલી અનોખી રીતવાળા એક ખૂબ જ મજાનાં ગીતની ખાસ યાદ અપાવે છે…. એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ; એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં

Comments (7)

ગજવું કફનમાં – જિતુ પુરોહિત

કહી દે એ વાતો દટાઇ જે મનમાં,
થઇ જા પછી સાવ હળવો વજનમાં.

તમારાથી જુદો નથી હું ઓ સંતો !
લખ્યું મેં ગઝલમાં , તમે જે ભજનમાં.

ભરી લે જે ગમતું હો આંખોમાં આજે ;
નથી એકે હોવાનું ગજવું કફનમાં.

અહીં જાત સાથે થયો શ્વાસ મઘમઘ ;
મહેક એવી કેવી ભળી આ પવનમાં.

રહસ્યો બધાં એનાં પામી જવાને;
ફર્યો ખૂબ રણમાં ને ભટક્યો હું વનમાં.

ફકીરી અમીરીથી ચડિયાતી લાગી;
કર્યો જો મેં ભરોસો એનાં વચનમાં.

ઉગાડયા છે બે-પાંચ સ્વપ્નોના રોપા;
છે અસબાબ સરખો બધાના ચમનમાં.

-જિતુ પુરોહિત.

મનની વાત મનમાં ન રાખતા કહી દેતા મળતી હળવાશની વાત કેટલી હળવાશથી કહી દીધી છે. એ જ નજાકતથી મર્યા પછી કશું સાથે લઈ જઈ શકાવાનું નથી એ પણ કવિ આબાદ રીતે કહી શક્યા છે.

Comments (6)