સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આસીમ રાંદેરી

આસીમ રાંદેરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મુક્તક – ‘આસિમ’ રાંદેરી

જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે !

– ‘આસિમ’ રાંદેરી

સ્મિત અને ઉદાસી બંને વિરોધાભાસી હોવા છતાં કદાચ એકીસાથે રહી શકે છે.

Comments (9)

આસિમ વિશેષ : ૬ : કટકે કટકે – આસિમ રાંદેરી

Aasim_Randeri2

રૂપ સિતમથી લેશ ન અટકે,
પ્રેમ   ભલેને   માથું   પટકે !

આપ   જ  મારું    દૃષ્ટિ-બિન્દુ,
હોય ભ્રમર તે જ્યાં ત્યાં ભટકે.

પ્રેમ-નગરના ન્યાય નિરાળા,
નિર્દોષો   પણ   ફાંસી   લટકે.

બચપણ,  યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન   પણ   છે  કટકે કટકે.

રૂપના ફંદા ડગલે ડગલે,
દિલ-પંખેરું ક્યાંથી છટકે?

પાપ નહીં હું પ્રેમ કરું છું,
ના મારો ફિટકારને ફટકે.

એ જ મુસાફિર જગમાં સાચો,
જેની પાછળ મંઝિલ ભટકે.

દીપ પતંગને કોઈ ન રોકે,
પ્રીત અમારી સૌને ખટકે.

નજરોના આવેશને રોકો,
તૂટી જશે દિલ એક જ ઝટકે.

ઊંધ અમારી વેરણ થઈ છે,
નેણ અભાગી ક્યાંથી મટકે?

એ ઝુલ્ફો ને એનાં જાદૂ :
એક્ એક્ લટમાં સો દિલ લટકે.

એક્ એક્ શે’રમાં કહેતો રહ્યો છું,
પ્રેમ-ક્હાણી કટકે કટકે.

પ્રેમનો મહિમા ગાતાં રહેવું,
જ્યાં લગી ‘આસિમ’ શ્વાસ ન અટકે.

– આસિમ રાંદેરી

વીસ વર્ષ પહેલાની વાત છે. આસિમસાહેબનો મને કોઈ પરિચય નહીં. એક મુશાયરામાં એમને પહેલવહેલા જોયા. એમની ઉમ્મર એ વખતે પંચ્યાસી વર્ષ હશે. સૂટ, ટાઈમાં એકદમ અપટૂડેટ દેખાવ. ને એમનો બુલંદ અવાજ. જ્યારે એમના અવાજમાં એક્ એક્ લટમાં સો દિલ લટકે પંક્તિ સાંભળી ત્યારે જીંદગીમાં પહેલી વખત ખ્યાલ આવ્યો કે ‘રોમાંટિક’ માણસ કોને કહેવાય !

આ ગઝલનો મારો સૌથી પ્રિય શેર -જે મેં નહીં નહીં તો હજાર વાર ટાંક્યો હશે- આ છે  : એ જ મુસાફિર જગમાં સાચો, જેની પાછળ મંઝિલ ભટકે. મંઝિલને પરાસ્ત કરવાની વાત તો બધા કરે છે, પણ અહીં કવિ એનાથી બહુ ઊંચી વાત કરે છે –  મંઝિલ ખુદ તમારી પાછળ ભટકે તો જ તમારી લગન સાચી ! છેલ્લા બે શે’રમાં એમણે કવિ તરીકે પોતાની  કેફિયત રજૂ કરી દીધી છે. આસિમ માટે કવિતા પ્રેમને ગાવાનું સાધન માત્ર હતી. કવિતાને માત્ર પ્રેમ સુધી સિમિત કરી દેવી એ વાત આજે લોકોને ગળે નહીં ઊતરે. પણ આસિમે જે અદાથી અને જે સચ્ચાઈથી પ્રેમને ગાયો છે એનું ખરું મહત્વ છે.

આ ‘આસિમ’ બંદાને હજાર સલામ !

(આસિમ =પવિત્ર, સદગુણી)

Comments (11)

આસિમ વિશેષ : ૫ : પરિચય – આસિમ રાંદેરી

Aasim_Leela

ખરેખર ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે,
મુહબ્બતના, નિખાલસતાના જે જીવંત ચિત્રો છે.

સદા, એ મારા મિત્રોની મેં સાચી લાગણી જોઈ,
દુઃખી થાયે છે પોતે પણ મને આજે દુઃખી જોઈ.

નિહાળી અવદશા મારી દિલાસા આપતા રે’ છે,
અને ‘લીલા’ની ચાહતના ખુલાસા માંગતા રે’ છે !

ઘણી વેળા એ પૂછે છે, ‘તને શું છે પરેશાની ?
જીવનમાં તારા નીરસતા, નજરમાં તારી વેરાની ?

ભલા એવી મુહબ્બતમાં તને શું હાથ આવે છે ?
કે મુખમાં નામ ‘લીલા’નું નિસાસા સાથ આવે છે !

આ ‘લીલા’ કોણ છે, એની હકીકત તો કહે અમને,
છે કેવી બેવફા કે જે ભુલાવી દે છે પ્રીતમને !

હવે એ ક્યાં રહે છે, કોની સાથે છે જીવન એનું,
હવે કોની નજર અજવાળતું રે’છે વદન એનું ?!’

* * *

સુણો ઓ દોસ્તો મારા હું તમને ઓળખાણ આપું,
છે મારી જિન્દગી ‘લીલા’માં હું એનું પ્રમાણ આપું.

વસે છે મારી આંખોમાં રહે છે મારા અંતરમાં,
વધુ છે સ્થાન એનું મારાથી, મારા મુકદ્દરમાં.

નયન બિડાય છે ત્યારે અનોખું તેજ આવે છે,
સદા નીંદર મહીં સ્વપ્નું બનીને એ જ આવે છે.

ગુલાબી એ વદનથી કલ્પના રંગાઈ જાયે છે,
એ જ્યારે પ્રેરણા દે છે કવન સર્જાઈ જાયે છે.

ભુલાવી દે મને એવી પરાઈ થઈ નથી શક્તી,
કદી એનાથી એવી બેવફાઈ થઈ નથી શક્તી.

મુહબ્બત તો સફળ થઈ છે, ભલે સંસાર દુઃખમય છે,
હું એનો છું, એ મારી છે, અમારો આ પરિચય છે.

કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,
પરિચય મળશે ‘લીલા’નો, મને જો ઓળખી લેશો.

– આસિમ રાંદેરી

વ્યક્તિ-કાવ્યોનું ખેડાણ આપણે ત્યાં જૂજ થયેલું જ જોવા મળે છે. કલાપીના કાવ્યોમાં વ્યક્ત થતો શોભના અને રમા સાથેનો વાસ્તવિક પ્રણય-ત્રિકોણ કે રમેશ પારેખની છૂટીછવાયી સોનલ આના ઉદાહરણ છે. પણ આસિમ રાંદેરીએ ‘લીલા’ સાથે સાધેલો-બાંધેલો નાતો न भूतो, न भविष्यति જેવો છે. ખુદ આસિમસાહેબ જણવે છે કે ‘લીલા’કાવ્યોની પ્રેરણા એમણે કલાપીની ‘શોભના’ અને અખ્તર શીરાનીની ‘સલમા’માંથી લીધી છે. જો કે ‘લીલા’  એમને ક્યાંથી મળી અને એ વાસ્તવિક પાત્ર હતી કે માત્ર કલ્પના એ જાણવાનો ન તો આપણને અધિકાર છે, ન જરૂરિયાત. સાચા ભાવક માટે તો એ સ્થૂળ કૌતુક પણ નથી કેમકે એને તો નિસ્બત હોવાની ‘લીલા’ના અન્વયે આપણને પ્રાપ્ત થયેલા કાવ્યો સાથે. ‘લીલા’કાવ્યો એ આસિમ રાંદેરીની ઓળખ બની રહ્યા એ જ એમની સાચી ઉપલબ્ધિ. કવિસંમેલનમાં લોકો એમને જોઈને ‘લીલા…લીલા…’ની બૂમો પાડે એ દૃશ્ય ગુજરાતી સાહિત્યે અવારનવાર જોયું છે અને આવું બહુમાન બીજા કોઈ કવિએ કદી મેળવ્યું નથી એ વાતનું પણ એ સાક્ષી છે !

‘લીલા’ની ફરતે ફરતા રહેતા અગણિત કાવ્યો નિતાંત કથાકાવ્ય રચે છે જે લગભગ સાડાસાત દાયકા જેટલા પ્રદીર્ઘ સમયકાળમાં ટુકડે ટુકડે લખાયા હોવાથી એ સળંગ ન હોવા છતાં એકસૂત્રી ભાસે છે એ આસિમસાહેબની નકારી ન શકાય એવી સિદ્ધિ છે. અહીં  ‘લીલા’ સાથેના પ્રથમ મિલનથી શરૂ કરી પ્રેમના અંકુરણ, કોલેજના દિવસો, પ્રેયસીની વર્ષગાંઠ, પ્રણયભંગ, પ્રેયસીના અન્ય સાથેના લગ્ન, એની કંકોતરી, વર્ષો પછીનું પુનઃમિલન અને એમ પ્રણયના જીવનકાળમાં ઉપસ્થિત થતા તમામ પ્રસંગો નઝમ-ગઝલ સ્વરૂપે પ્રકટ થાય છે.ક્યારેક ઘટનાતત્ત્વમાંથી કાવ્યસત્ત્વ ખરી પડતું પણ જણાય છતાં ઉત્કટ, એકધારા અને અવિનાશી પ્રેમની ગુલાબી અનુભૂતિ ક્યાંય મોળી પડતી નથી… કવિએ લીલાને એટલી બખૂબી ચિતરી છે કે ભાવક આ પાત્રને વાસ્તવિક માન્યા વિના રહે જ નહીં અને સાહિત્ય જ્યારે તાદૃશીકરણની આવી કળાને સિદ્ધ કરી બતાવે ત્યારે જ સાર્થક થાય છે…

‘લીલા’નું રહસ્ય અકબંધ રાખી વિદાય લેનાર જનાબ આસિમસાહેબ પોતે લીલાનો પરિચય કરાવે તે કેવો હોય એ આ નઝમના સ્વરૂપમાં જ માણીએ…

Comments (6)

આસિમ વિશેષ : ૪ : તાપીનો કિનારો તો નથી ! – આસિમ રાંદેરી

Aasim Randeri

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી !

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી !

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી !

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી !

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી !

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી !

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

– આસિમ રાંદેરી

આસિમ રાંદેરી પ્રણય અને વિરહના કવિ હતા. પણ એમના પ્રણયમાં મરીઝની ઉદાસીની કાલિમા કે ઘાયલની રક્તરંજિત ખુમારી નહોતી. એમના પ્રણયમાં સૌહાર્દતા, ઋજુતા અને ધીરજનો અખૂટ અસ્ખલિત ધોધ વહેતો નજર આવે છે. મૃદુ લાગણીઓનો જે પુદગલ એમની રચનાઓમાં નજરે ચડે છે એ સાનંદાશ્ચર્ય જન્માવે છે. લગભગ પંચોતેર વર્ષ જેટલા લાંબા એમના સર્જનકાળ દરમિયાન આ આખી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ પણ એમના પ્રણયનો રંગ એવોને એવો ચિરયુવાન જ રહ્યો ! ચકરડાવાળા ટેલિફોન અને  ઓપરેટરયુક્ત ટેલિકોમ સેવાથી માંડીને પામ-ટોપ જેવા મોબાઈલ ફોન સુધી દુનિયા આ વર્ષોમાં વિકસી ગઈ. ભારત દેશ ગુલામીમાંથી આઝાદ થયો અને આર્થિક મહાસત્તા બનવા લગોલગ પહોંચી ગયો  પણ આસિમ સાહેબની પ્રણયભક્તિમાં મીનમેખ ફરક ન આવ્યો, એ ધ્રુવતારકની પેઠે એ જ રીતે અને એ જ જગ્યાએ ઝળહળતી રહી…

Comments (11)

આસિમ વિશેષ : ૩ : કૉલેજ જતાં – આસિમ રાંદેરી

Aasim_leela_college

યુવાની મુહબ્બતના દમ લઈ રહી છે,
મને દિલની ધડકન ખબર દઈ રહી છે,
પ્રણય-રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે.
.                  જુઓ ‘લીલા’ કોલેજમાં જઇ રહી છે

કમલ જેવા કરમાં એ પુસ્તક ઉઠાવી,
પ્રણય-ઉર્મિઓ મનની મનમાં શમાવી,
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી,
.                  મને અવનવી પ્રેરણા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

છે લાલિત્યમાં જે લચકતી લલિતા,
ગતિ એવી, જાણે સરકતી સરિતા,
કલાથી વિભૂષિત કલાકાર માટે;
કવિતા જ સુંદર બનીને કવિતા
.                  પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી,
છતાં એની રંગત છે સૌમાં નિરાલી !
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઈમાં એની જાહોજલાલી !
.                  શું ખાદીની સાડી મજા દઈ રહી છે ! જુઓ ‘લીલા’…

સરળથી ય એની સરળ છે સરળતા,
નથી શબ્દ સમજાવવા કોઈ મળતા,
લખું તોય લખતાં ના કાંઈ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઊછળતા !
.                  અજબ મારા મનની દશા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કરે છે એ જાણે-અજાણે જો દૃષ્ટિ,
નિહાળું છું એમાં પરમ પ્રેમ-સૃષ્ટિ !
મધુરો, મનોરમ્ય મલકાટ એનો
છે કળીઓની ઝરમર, છે પુષ્પોની વૃષ્ટિ !
.                  નજરથી પ્રણય-ગોઠડી થઈ રહી છે ! જુઓ ‘લીલા’…

ભલા ! કોણ જાણે કે કોને રીઝવવા ?
અને કોના દિલની કળીને ખિલવવા ?
રે ! દરરોજ બેચાર સખીઓની સાથે;
એ જાયે છે ભણવા કે ઊઠાં ભણવવા ?
.                  ન સમજાય તેવી કલા થઇ રહી છે ! જુઓ ‘લીલા’…

કોઈ કે’છે : જાયે છે ચિત્રો ચીતરવા,
કહે છે કોઈ, જ્ઞાન-ભંડાર ભરવા !
કોઈ કેમ સમજે આ બાબતને ‘આસિમ’ ?
અધૂરા પ્રણય-પાઠ ને પૂર્ણ કરવા
.                  એ દરરોજ ભણતરના શ્રમ લઈ રહી છે ! જુઓ ‘લીલા’…

– આસિમ રાંદેરી

આખું નામ મહેમુદમિયાં મહંમદ ઇમામ સૂબેદાર. જન્મ: ૧૫ -૦૮-૧૯૦૪: રાંદેર (સુરત) ખાતે; મૃત્યુ: ૦૫-૦૨-૨૦૦૯: રાંદેર (સુરત) ખાતે. મેટ્રિક સુધીનો અભ્યાસ.  ઇસ્ટ આફ્રિકામાં પત્રકારત્વ કર્યા પછી મુંબઈમાં સૅલ્સમેન અને પછી તો દેશ-દેશાવરમાં સતત ફરતા રહ્યા. આયખાનો ખાસ્સો એવો ભાગ અમેરિકામાં ગુજાર્યા પછી અંતભાગે સુરતમાં સુબેદાર સ્ટ્રીટ, રાંદેર ખાતેના એમનાઘરે જ રહ્યા. ચોળાયેલા કફની-પાયજામા, દિવસો સુધી શેવ ન કરેલો ચહેરો, તૂટેલી ચપ્પલ અને ખાદીનો બગલથેલો લઈને ફરતા ‘કવિ’ની શિકલ એમણે આમૂલ ફેરવી નાંખી. ઘરડે ઘડપણ પણ સદા વ્યવસ્થિત રીતે ટ્રીમ કરેલી દાઢી, અસ્ત્રી-ટાઈટ કપડાં, સૂટ-બૂટ અને ટાઈ સાથે જ જોવા મળતા આસિમ રાંદેરી શાયર ભલે પરંપરાનારહ્યા, માણસ એકવીસમી સદીના થઈને જીવ્યા…

આ ‘આખી’ રચના લયસ્તરોના વાચકો માટે…  અને ઑડિયો: ટહુકો.કોમ)

(કાવ્ય સંગ્રહો: ‘લીલા’ (૧૯૬૩), ‘શણગાર’ (૧૯૭૮), ‘તાપી તીરે’ (૨૦૦૧))

Comments (15)

આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી

Aasim_kankotari

(કંકોતરી મળી…                          ….શ્રી આસિમ રાંદેરી)

મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
.                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
.                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
.                  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
.                  શિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
.                  દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
.                  કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
.                  ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
.                  તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !

કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
.                  કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
.                  મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !

એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
.                  આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
.                  ‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.

‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
.                  હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
.                  એ પારકી બની જશે, હું એનો એ જ છું !

-આસિમ રાંદેરી

જનાબ આસિમ રાંદેરીની આ રચનાના કેટલાક અંતરાઓને પોતાનો અવાજ આપીને મનહર ઉધાસે ખૂબ લોકપ્રિય બનાવી દીધી છે પણ આ નઝમ આજે પહેલવહેલીવાર આખેઆખી ઇન્ટરનેટ ઉપર ખાસ લયસ્તરોના વાચકો માટે અને આસિમસાહેબને શબ્દાંજલિના ભાગ સ્વરૂપે…

પ્રિયતમાની કંકોતરી મળતા જે લાગણી કવિ અનુભવે છે એ એમની ભીની-ભીની સંવેદનાનું દ્યોતક છે અને આ આખા પ્રસંગને જે રીતે એ મૂલવે છે અને જે જે આયામથી જુએ છે એ કાબિલે-સલામ છે. નઝમના દરેક અંતરાના અંતે જેમ સૉનેટમાં એમ અહીં કવિ એવી ચોટ ઉપસાવે છે કે ‘લીલા’ જો સાચે હોત અને એણે એના લગ્ન પહેલાં આ નઝમ વાંચી હોત તો એ કવિ સાથે જ લગ્ન કરી લેત !

(ઑડિયો : ટહુકો)

Comments (18)

આસિમ વિશેષ: ૧ : ચર્ચામાં નથી હોતી – આસિમ રાંદેરી

Aasim_Randeri
(૦૯-૧૧-૧૯૬૧ના રોજ શ્રી આસિમ રાંદેરીના હસ્તાક્ષરવાળો શ્રી મદને દોરેલ સ્કેચ)

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં.
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-આસિમ રાંદેરી

ગુજરાતી કવિતાના ઈતિહાસમાં કદાચ સૌથી લાંબું આયુષ્ય ભોગવનાર કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે ગઈકાલે (નિધન: ૦૫-૦૨-૨૦૦૯) એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… લયસ્તરો તરફથી એમને શબ્દભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ…

અસ્તુ !

Comments (14)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

નથી હોતી – ‘આસીમ’ રાંદેરી

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમ’ રાંદેરી

મૂળ સુરતના અને હાલ કેલીફોર્નીયામાં, રહેતા ‘આસીમ’ રાંદેરી 100 વર્ષથી પણ વધારે ઉમ્મરના છે અને ‘લીલાકાવ્યો’ ના સર્જક તરીકે વધારે જાણીતા છે. શ્રી.મનહર ઉધાસે આ ગઝલ બહુ જ કર્ણપ્રિય લયમાં ગાઇ છે.

Comments (12)