એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેશ દવે

મહેશ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હું તને ઝંખ્યા કરું – મહેશ દવે

સ્થળસમયનું ચક્ર છેદી હું તને ઝંખ્યા કરું
તારો નથી કંઈ વાંક એમાં હું મને ડંખ્યા કરું

યાદોનો અજગર મને એવો વળ્યો વીંટળાઈને
કે મારી પાસેનાં બધાં ફૂલ ખર્યા ચીમળાઈને
રંગો વિનાની આ છબીને હું સદા રંગ્યા કરું
હું તને ઝંખ્યા કરું-

કેવળ સ્મૃતિથી જીવવાનું કેટલું મુશ્કેલ છે !
ભાંગ્યા ઝરૂખાથી ભરેલો ખાલી ખાલી મહેલ છે
પથ્થરોમાં શૂન્યતાનું શિલ્પ હું કોર્યા કરું
હું તને ઝંખ્યા કરું-

– મહેશ દવે

મિલનની કોઈ આછી-પાતળી શક્યતા સુદ્ધાં નથી……..નકરી નિ:સીમ ઝંખના છે…….

Comments (7)

શબદ – રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ફક્ત એની બાંયો પર જ પહેરી રાખે છે
સચ્ચાઈને આ નવી કવિતા .
[ જલ્દી ખંખેરી નખાય કે બદલી શકાય ને ? ]

એ લખનારો કોઈ માડીનો જાયો
એના એકેય શબદમાં માનતો નથી.
જરા વિચાર તો કરો. એમાંનો એકેય શબદ એણે લખ્યો જ નથી.

એ શબ્દ ક્યાંકની ઉઠાંતરી છે, કે ક્યાંકની કાપેલી કાપલી છે.
કે ક્યાંકથી ચોંટાડેલી ચબરખી છે,
ક્રિયા-પ્રક્રિયામાંથી
પસાર કરેલી સામગ્રી છે,મશીનમાં ઠોકઠાક કરી
ઠીકઠાક કરેલો છે, નવા હેતુ માટે યોજ્યો છે, ઊલ્ટી
કરી ફરી બહાર કાઢ્યો છે કે મુક્ત રીતે વિહરતા
ભાષાના સમૂહમાંથી ફરી ઘડ્યો છે-ત્યાં
ઊભો છે એ એને કવિતામાં કંડારવાની ભીખ માગતો.

– રોબર્ટ આર્કેમબિઉ અનુ.- મહેશ દવે

ઉમાશંકર જોષીએ કહ્યું હતું – ” જે સત્યજ્ન્ય અધિકારથી બાપુ [ ગાંધીજી ] એમ કહી શકે છે કે ‘ મારું જીવન એ જ મારો સંદેશ ‘ એ રીતે આત્મા પર હાથ રાખીને હું એમ જયારે કહી શકીશ કે ‘ મારું જીવન એ જ મારું કવન અને મારું કવન એ જ મારું જીવન ‘ ત્યારે હું સાચો કવિ. ”

ઉઠાંતરીની જે વાત છે તે કેવળ શબ્દો કે શૈલીની ઉઠાંતરીની વાત નથી. એવા અસંખ્ય ઉદાહરણો મળે કે જ્યાં વ્યક્તિનું સર્જન અને વ્યક્તિ પોતે એટલાં બધા ભિન્ન હોય કે ત્યારે એમ ચોક્કસ લાગે કે સર્જનમાંના શબ્દો આ consciousness માંથી તો બહાર કદાપિ ન જ આવ્યા હોઈ શકે. કાવ્ય લખવું એ એક વાત છે અને કાવ્ય પ્રકટવું- કાવ્ય સર્જાવું – કાવ્ય અંદરથી બહાર આવવું એ તદ્દન ભિન્ન વાત છે…..

Comments (4)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)

વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

કોઈ મને ક્યારે કહેશે -  
                            ગુલાબ મારાં કોણ લેશે ?

– મહેશ દવે

આ ‘ભીનુંભીનું’ વર્ષા કાવ્ય વરસાદનું નામ પણ લીધા વગર લખેલું છે. શ્રાવણનો ભીનો દિવસ એક મીઠી ફાંસની માફક ચારે પ્રહર પ્રિયજનની યાદ અપાવે છે – સવારે, બપોરે, સાંજે અને રાત્રે. ગીતની ભાષા અને યોજના એટલી સરળ છે કે જોડકણાં જેવું લાગે. પણ કવિએ શબ્દોનો એવો તો તાતો પ્રયોગ કર્યો છે કે પ્રેમભીના  હૈયાની રેશમી તરસ અદલ ઉભરી આવે છે. આ ગીત સાથે જ સાહ્યબો મારો ગુલાબનો છોડ છે પણ વાંચો તો ઓર નશો ચડવાની ગેરેંટી છે !

Comments (5)

સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે

સાહેબ હુકમ કરે કે આવું.
આરણ-કારણ કાંઈ ન ચાલે
ક્યાંય પછી નહીં જાઉં;
                   સાહેબ હુકમ કરે કે આવું.

મારા મનનું કાંઈ ન ચાલે,
     કોરે કાગળ સહી.
સાહેબના અણસારે મારી
     હોડી જળમાં વહી:
નાવિક મારો કહે એ લયમાં
                   ગીત મારું હું ગાઉં.

સઘળું તેને સોંપી દઈને
     કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
     સાહેબ સાથે જોડી.
વહેણ હોય કે પૂર હોય
                   પણ નહીં કદી મૂંઝાઉં.
              સાહેબ હુકમ કરે કે આવું.

 – મહેશ દવે

Comments