લૂટો, લૂટો, લૂટી લો, લૂટ્યો નહીં લૂટાશે-
આંખોમાં એક જણની બે ખ્વાબ રહી ગયાં છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનસુખ વાઘેલા

મનસુખ વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક મિથિકલ ગઝલ – મનસુખ વાઘેલા

હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે,
ને સર્પ વાત કરે છે હજીય ફળ વિશે !

થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
બધા જ વાત કરે છે હવે કમળ વિશે !

ચરણમાં તીર લઈ શ્યામ ઘૂમતા આજે,
કદાચ ગોપીઓ કહે આ લીલા-છળ વિશે !

ફરીથી પૃથ્વી આ ફાટે તો જાનકી નીકળે ?
છતાં છે રામને ચિંતા હવે અકળ વિશે !

બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ ?
હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે !

હવેથી દંતકથાઓનું નામ ‘મનસુખ’ છે,
હરેક સ્થળ મને ચર્ચે હરેક પળ વિશે !

– મનસુખ વાઘેલા

‘પ્રિયજન સાથેની ગુફ્તેગૂ ‘થી શરૂ થઈ ગઝલની યાત્રા કોઈપણ પ્રકારની કવિતાના સાહજિક ગુણધર્મને અનુસરતી સમષ્ટિ સાથે એકરસ થઈ ગઈ… આજે માણીએ એક મિથિકલ ગઝલ… બધા જ પાત્રો અને વાત સ્વયંસ્પષ્ટ છે… જો કે એક વાત જે આ મત્લા વિનાની ગઝલમાં મને સમજાઈ નહીં તે ઈવ અને આદમની વાત… બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?

Comments (8)

કહો – મનસુખ વાઘેલા

નજર કરું ત્યાં જળ વહેતું ને સેતુ ત્યાંના ત્યાં જ;
શ્વાસોનાં બિંબો ઝલમલતાં, પડછાયામાં સાંજ,
કહો હવે ક્યાં પડતું મેલું?

લોહી હોત તો ઠીક અરે! આ આંસુ કોને આપું?
ફૂલો વચ્ચે ઊભી ઝાકળ-જન્મારાને કાપું,
ઝાંઝવે હવે જવું શું વ્હેલું?

અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

– મનસુખ વાઘેલા

Comments (1)