પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
શ્યામ સાધુ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રકાન્ત બક્ષી

ચંદ્રકાન્ત બક્ષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(લહેર પડી ગઈ, યાર!) – ચંદ્રકાંત બક્ષી

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

– ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષી સિંહ જેવો માણસ હતો.  જીવનના રસને પીવામાં એમણે કોઈ કચાશ છોડી નહોતી. આવા માણસને કોઇ પૂછે કે સંપૂર્ણ જીવન એટલે શું? – તો આવો જવાબ મળે.

મોટી મોટી વાતો કરવાથી મોટી જીંદગી બનતી નથી. બધી નાની નાની વાતો બહુ જતનથી ભેગી કરવાથી જ એક મોટી જીંદગી બને છે.

(ચોખવટ: આ લખાણ બક્ષીસાહેબનું છે. પણ એમણે એ કવિતા તરીકે નહોતું લખ્યું. ‘બક્ષીનામા’ના એક લેખમાં આ વાત લખેલી. મને એમાં 100 ટકા કવિતા દેખાઇ એટલે એને કવિતા તરીકે રજૂ કરી છે. વાચકો આટલી ગુસ્તાખી ચલાવી લેશે એવી આશા રાખું છું. મારું માનવું છે કે જો બક્ષીબાબુને મેં આવું કર્યું છે એવી ખબર પડે તો એ ચોક્કસ એક ગાળ આપે અને પછી કહે, “જા તું ય કરી લે લહેર !” )

Comments (7)

બક્ષી હવે નથી રહ્યાં…

મુંબઇ –
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…

ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.

Comments (5)