કમલ વોરા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
September 19, 2025 at 11:16 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે
– કમલ વોરા
ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!
Permalink
May 20, 2021 at 3:08 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફથી
-કમલ વોરા
નાની અમથી રચના. કવિએ ક્યાંય કોઈપણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા વિના કવિતા લખી છે, મતલબ અટક્યા વિના, પ્રશ્ન પૂછ્યા વિના, આશ્ચર્યભાવ અનુભવ્યા વિના એક જ શ્વાસે આખી રચના વાંચી જવાની છે અને કાવ્યાંતે પણ કોઈ પૂર્ણવિરામ નથી. મતલબ કવિતામાંથી સડેડાટ પસાર થતી વખતે જે કોઈ ભાવ આપણે અનુભવ્યા હશે એનેય રોકવાના નથી. કવિતામાં દોડવાની ક્રિયાનો ઉલ્લેખ છે. કવિએ વિરામચિહ્નો ન વાપરીને એ ક્રિયા વધુ અસરદાર બનાવી છે.
વાત બહુ નાનકડી છે. એક સફેદ કાગળ પર કવિ આડી ઊભી લીટીઓ દોરીને વચ્ચે એક ખુલ્લું બારણું દોરે છે. નાની અમથી રચનામાં કવિ બારણું ખુલ્લું હોવાનો ઉલ્લેખ સળંગ ત્રણવાર કરે છે, જે શક્યતાઓના ઉઘાડને અધોરેખિત કરે છે. નાયક-નાયિકા બંને આ બારણાંની સામસામી બાજુએ છે અને એકમેક પાસે આવવા માટે દોડે છે. બંને ચાલતાં નથી, દોડે છે એ ક્રિયા પર ધ્યાન આપવા જેવું છે. દોડવાની ક્રિયા ઉભયનો તલસાટ ચાક્ષુષ કરે છે. પણ બારણું ખુલ્લું ભલે ને હોય, એ છે તો કાગળ પર. એની આરપાર જઈ એકમેકને પામી શકાય ખરું? બીજો સવાલ પણ થાય, કાગળની આરપાર કંઈ જઈ શકાય ખરું? મગજમાં ઉતરે એવી ક્રિયાઓને મગજમાં ન ઉતરે એવી વસ્તુઓને juxtapose કરીને કવિ શું સિદ્ધ કરવા માંગે છે?
સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. ખુલ્લું બારણું અને એકમેક તરફ દોડવાની ક્રિયા પ્રેમ અને મિલનની સંભાવનાઓ સૂચવે છે. પણ મિલન થતું નથી. આ સફેદ રંગ જ વચ્ચે દીવાલ બની રહે છે, જેને અતિક્રમવું બંનેમાંથી એકેય માટે શક્ય બનતું નથી. કદાચ કવિ એમ પણ કહેવા માંગતા હોય કે આપણે હકીકતમાં એકમેકને મળવા તૈયાર જ નથી. શાંતિના નામે આપણે કાગળ પર લીટાઓ તાણ્યે રાખીએ છીએ. સમાધાન માટેના આપણા દરવાજા કાગળ પર દોરેલા ખુલ્લા દરવાજા જેવા પ્રતીકાત્મક માત્ર છે, હકીકતમાં આપણે એકમેક સુધી પહોંચવા માટે સાચો દરવાજો ખુલ્લો રાખ્યો જ નથી. એકમેકના હૃદય સુધી પહોંચવા માટેની આપણી આતુરતા આપણે ચાલીને નહીં, દોડીને પ્રગટ તો કરીએ છીએ પણ આ તમામ આત્મછલનાથી વિશેષ કંઈ નથી. વાસ્તવમાં આપણે એકમેકના મન સુધી જવા તૈયાર છીએ જ નહીં…
Permalink
May 29, 2020 at 2:35 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું
– કમલ વોરા
‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.
એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…
Permalink
April 12, 2006 at 7:46 PM by ધવલ · Filed under અછાંદસ, કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી
-કમલ વોરા
કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.
Permalink