ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૨
ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…
ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-
આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!
દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-
પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-
સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણીવિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવીફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગહવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-
હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યોહો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલદુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!
નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-
વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?
ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.
સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:
વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?
જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-
શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!
રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
હર્ષદ દવે said,
March 14, 2025 @ 11:53 AM
વાહ… સરસ રંગબેરંગી કાવ્યપંક્તિઓ અને ફાગણના રંગથી ભીંજવતો આસ્વાદ.
રેણુકા દવે said,
March 14, 2025 @ 11:53 AM
વાહ…
ખૂબ સરસ…
ત્રીસ ચાલીસ વરસ પહેલાનો કવિતાનો ફાગણ વિશેષ અંક વાંચતા હોઈએ તેવું લાગ્યું.
ramesh maru said,
March 14, 2025 @ 11:56 AM
વાહ…ફાગણની ફોરમ…
Lata Hirani said,
March 14, 2025 @ 12:33 PM
Wah… રંગોની કવિતાઓ છલકાઈ..
છલકાવ્યા..
Mayur Koladiya said,
March 14, 2025 @ 1:05 PM
વાહ…. ભાતીગળ ગુલાલની મુઠ્ઠી જેવું સંપાદન…
Tanu patel said,
March 14, 2025 @ 4:33 PM
બહુ સરસ,,
ગીતકડીઓ ની રંગછોળ ઉડાડી.
DILIPKUMAR CHAVDA said,
March 14, 2025 @ 6:03 PM
વાહ હોળીના રંગોમાં વધું રંગ ઉમેરતી રંગબેરંગી પંક્તિઓ
કિરણ ગોરડિયા said,
March 14, 2025 @ 6:27 PM
બહુ જ સરસ રંગભર કવિતાઓ
સુનીલ શાહ said,
March 14, 2025 @ 7:36 PM
મજાનું રંગબેરંગી સંકલન
જયેશ ભટ્ટ said,
March 15, 2025 @ 12:30 AM
સરસ, રંગનો ઉત્સવ શબ્દોનાં રંગે રમાડ્યો. આભાર વાહ
પીયૂષ ભટ્ટ said,
March 15, 2025 @ 1:35 AM
વાહ, સરસ ફાગણીયા ગીતોનો રસથાળ,
એક સરસ સંવાદ ગીત યાદ આવ્યું તેનો ઉમેરો કરું,
નાયક કહે છે,
માઘમાં મેં મોકલ્યા તેડા આવો તો ગોરી,
ફાગુન માં રમીએ ગુલાલે…
પ્રત્યુતરમાં, બીજી પંક્તિ નાયિકાની,
ચૈતર ચડે રે અમે આવીશું રાજ તારે,
ધૂળિયે તે રંગ કોણ મ્હાલે…
આ આખું ગીત માણવા જેવું છે.
Bharat Bhatt said,
March 15, 2025 @ 10:48 AM
અદ્ભુત