ગઝલિકા – લલિત ત્રિવેદી
તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા હે નમણિકા!
રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા!
સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!
ના સુરભી કે સુરખી વચમાં
ઔર ઔર નજદીક, નજદિકા!
મિટાવ અંતર ને તર થૈ જા…
હે રમણી હરણી તરલિકા!
પ્રિયે! મિલનની ટગલી ડાળે
નહિ લલિત કે નહિ લલિતિકા!
ગઝલ કહી મેં એમ લલિતજી
પૂરપાટ મધ્યે તરણિકા!
– લલિત ત્રિવેદી
ગઝલકારોનો મેળો જામ્યો છે.. કેટલાક ગઝલકાર ગઝલના અંતસ્તત્ત્વની મદદથી આગળ આવે છે, તો કેટલાક દમામદાર રજૂઆતને લઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે… કેટલાક પ્રદેશવાદના કારણે નોખા તરી આવે છે તો કેટલાક જૂથવાદના કારણે તરી જાય છે… પણ વ્યવસાયે તબીબ એવા લલિત ત્રિવેદી કોઈપણ જાતનો ઉહાપોહ કર્યા વિના એક ખૂણામાં બેસીને ગઝલસાધના કરે છે… ગઝલકારોના મેળામાં તેઓ એવી ભાતનાં વસ્ત્રો ધારીને સંમિલિત થયા છે કે દૂરથી જ નોખા તરી આવે… એમની ગઝલ જોતાવેંત ખ્યાલ આવે કે કંઈક અલગ જ ચીજ હાથ ચડી છે… એમની ભાષા અને આવશ્યકતા મુજબ નવતર કાફિયા ઘડી કાઢવાની આવડત એમને બધાથી અલાયદા સિદ્ધ કરે છે… લયસ્તરો પર આપણે અગાઉ પણ એમની રચનાઓ સાથે પરિચય કેળવ્યો જ છે… આજે એ પરિચય વધુ ગાઢ બનાવીએ…


Mungla Hiren said,
December 19, 2025 @ 11:43 AM
નાવિન્ય સભર ગઝલ,વાહ કવિ.
Dr. Vrajlal Savaliya said,
December 19, 2025 @ 12:18 PM
વાહ કવિશ્રી
Aasifkhan Pathan said,
December 19, 2025 @ 12:25 PM
વાહહહ
Rashmi Shah said,
December 19, 2025 @ 12:56 PM
બહુ સુંદર અને નાવિન્ય સભર
Asmita Shah said,
December 19, 2025 @ 1:59 PM
નાવિન્ય સભર રચના શબ્દોની પસંદગી કાબિલે તારીફ…વાહ વાહ!
Shailesh Gadhavi said,
December 19, 2025 @ 2:10 PM
નવીન અભિવ્યક્તિ, સુંદર ગઝલ 💐
કિશોર બારોટ said,
December 19, 2025 @ 2:12 PM
લલિતભાઈની ગઝલમાં અભિવ્યક્તિનું તાજગીસભર માધુર્ય હોય છે જે મને બહુજ ગમે છે.
Varij Luhar said,
December 19, 2025 @ 2:23 PM
વાહ. નવતર ભાષા પ્રયોગને કારણે એક જુદી જ અનુભૂતિ કરાવતી ગઝલ
Kishor Ahya said,
December 19, 2025 @ 5:56 PM
કવિ શ્રી લલિત ત્રિવેદીની અનોખી ગઝલ ‘ગઝલિકા’ ની રચનાની લય અને અર્થ બને દૃષ્ટિએ ખુબજ સુંદર છે.
“તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા હે નમણિકા!”
ગઝલનો નાયક છેલ્લીથી પહેલી પંક્તિમાં પ્રિયે એવો ઉલ્લેખ કરે છે જે જોતા ગઝલ પ્રિયતમ ને સંબોધીને લખેલી જણાય છે.
નાયકને ગઝલ.પ્રત્યે બહુ પ્રેમ છે તેથી નાયક તેની પ્રિયતમા ને પૂછે છે નમણી ને સ્વપ્નમાં આવનારી તને ગઝલ કહું કે ગઝલિકા?
“રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા!”
કવિ આગળ કહે છે રુમઝુમ રુમઝુમ કરતી સુંદર દુલ્હનના કલરવમાં રાત્રિ વહી જાય છે
“સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!”
શબ્દ અને જીવનના બધા અર્થો ખસી જવા દે અભિસારિકા!
( અભિસારિકા=કોઇપણ ભોગે પોતાનું વચન નિભાવનાર પ્રેમિકા)
“ના સુરભી સુરખી વચમાં
ઔર ઔ નજદિક, નજદિકા!”
ના મીઠી ના વચ્ચે કડવી, નજીક આવ, વધુ નજીક આવ.
“મિટાવ અંતર ને તર થૈ જા…
હે રમણી હરણી તરલિકા!”
નાયક તેમની પ્રિયતમા માટે રમણી, હરણી અને તરલીકા (ચંચળ) જેવા શબ્દ પ્રયોગ કરીને નાયકાને અંતર મિટાવી દેવા જણાવે છે.
“પ્રિયે! મિલનની ટગલી ડાળે
નહિ લલિત કે નહિ લલિતિકા!”
નાયક કહે છે પ્રિયે, મિલનની આ ઊંચાઈએ હું કે તું એવું જુદાપણું રહેતું નથી.
“ગઝલ કહી મેં એમ લલિતજી
પૂરપાટ મધ્યે તરણિકા!”
કવિ લલિતજી કહે છે જેમ પૂરપાટ પ્રવાહની વચ્ચે તરણું તરતુ હોય (એની શી ગતિ હોય?) એમ આ ગઝલ મેં કહી છે.
ઘણાબધા શબ્દો અપરિચિત છે જેથી અર્થ અલગ હોય શકે છે પણ કવિ ખૂબ પ્રસન્ન મનથી પ્રિયતમના વખાણ કરે છે. આ પ્રિયતમ અથવા નાયકની પ્રિયા, રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા! આ શબ્દો જોતા આ શબ્દો નાયકે પત્ની માટે પણ લખ્યા હોય તેવું પણ બની શકે છે!
એકંદરે સંસ્કૃતની બોલી જેવી આ ગઝલ સાંભળનાર નું મન જરૂર મોહી લે તેવી છે.કવિનો પરિચય શ્રી વિવેકભાઈ એ આપ્યો છે અને આગળની રચનાઓ જોતા કવિની પ્રકૃતિ આધ્યાત્મિક છે, સૂફી સંતો ઈશ્વર ને તેની પ્રેમિકાના રૂપે જુએ છે, આ ગઝલ આ સંદર્ભમાં પણ વિચારણા કરી શકાય તેવી બની છે.મને લાગે છે આ અર્થમાં ગઝલ વધુ ઠીક લાગે છે અને.વધુ સુંદરતા બક્ષે છે.
🌹🌹🌹🌹
વિવેક said,
December 20, 2025 @ 11:01 AM
સહુ મિત્રોનો આભાર…
રચનાને સરસ રીતે ખોલી આપવા બદલ શ્રી કિશોર આહ્યાનો ખાસ આભાર… આપ દરેકેદરેક રચનાઓ માટે જે રીતે સમય ફાળવીને અધ્યયન કરી અધ્યાપન કરાવો છો એનો આભાર શબ્દોમાં માની શકાય એમ નથી…
Kishor Ahya said,
December 20, 2025 @ 5:28 PM
આભાર, વિવેકભાઇ.