વ્હાલમ, આવોને પળવાર! – પ્રહલાદ જાની ‘તન્હા’
તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
. વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
. વ્હાલમ, આવોને પળવાર!
તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
. વ્હાલમ, આવોને પળવાર!
સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
. વ્હાલમ, આવોને પળવાર!
– પ્રહલાદ જાની ‘તન્હા’
વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…
કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.


મયૂર કોલડિયા said,
November 13, 2025 @ 11:22 AM
ખૂબ સુંદર ગીત… સુંદર રૂપકો… વાહ..
Aasifkhan Pathan said,
November 13, 2025 @ 11:23 AM
વાહ ખુબસરસ ગીત
Hiren K Mungla said,
November 13, 2025 @ 11:49 AM
ઉત્તમ ભાવ વાહી ગીત
Uma Sharad Doshi said,
November 13, 2025 @ 11:50 AM
વ્હાલમ શબ્દ ની મીઠાશ મધમીઠી!
Dipak Peshwani said,
November 13, 2025 @ 11:56 AM
મસ્ત મજાનું ગીત.. કવિને ખરી જગ્યાએ પોખાવા માટે અભિનંદન..
વ્રજેશ said,
November 13, 2025 @ 1:18 PM
વાહ… મજા પડી.. મહેમાન કા જવાબ નહી!!
Ramesh Maru said,
November 13, 2025 @ 1:31 PM
વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Aarti Antrolia said,
November 13, 2025 @ 3:07 PM
અજંપા જેવા મહેમાનનેય બાથ ભીડી આવકાર્યો. વાહ!
મિત્ર રાઠોડ said,
November 13, 2025 @ 5:51 PM
ખૂબ સરસ ગીત
અભિનંદન તન્હા
💐💐💐
આનંદ મહેતા said,
November 13, 2025 @ 6:02 PM
વાહ…વાહ મોજ કરાવી વ્હાલા …
DILIPKUMAR CHAVDA said,
November 13, 2025 @ 6:25 PM
ખૂબ સરસ કૃતિ
Kishor Ahya said,
November 13, 2025 @ 11:29 PM
સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
વાહ! વાહ! અતિ સુંદર ગીત, ખૂબ ગમ્યું. ગીતમાં સરળ શબ્દો હોવાથી કાવ્યભાવ સૌ કોઈ માણી શકે છે.
સાંકળ ભેગી છાતી ખખડે પ્રગટી ઊઠે પ્રાણ … નાયિકા કહે છે સાંકળ ભેગી છાતી ખખડે.. ગળામાં પહેરેલ આભૂષણને નાયિકા સાંકળ કહે છે ,કારણ આધ્યાર રાખ્યું છે પણ એ મર્યાદા કે કોઈ બંધન હોય શકે.આથી સાંકળ કહ્યું છે, નાયિકા કહે છે,આવું આભૂષણ ખખડે ત્યારે છાતી પણ ખખડી જાય છે ( છાતીમાં ડુમો ભરાય જાય છે) પ્રગટી ઉઠે પ્રાણ, શરીર નિર્જીવમાંથી સજીવ થતુ હોય તેમ પ્રાણવંતુ બની જાય છે. વાહ! વાહ!
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
સીડી દાદર વગેરેમાં થોડાં પગથિયાં પછી વિસામો લેવા, થંભવા માટે રાખવામાં આવતા પહોળા પગથિયા ને પગથાર કહે છે.
નાયિકા કહે છે અંતે રાહ જોઈ જોઈ આંખ્યું પથ્થર જેવી થઈ જશે, “આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર” અમારા પગ થંભી જશે ( અમે થશું પગથાર)
વ્હાલમ, આવોને પળવાર! ગીતની જેટલી પ્રશંસા કરીએ, ઓછી પડે. કવિ શ્રી પ્રહલાદ જાની” તન્હા ” ને આવી સરસ કૃતિ આપવા માટે ખુબ ખૂબ અભિનંદન.
શ્રી વિવેકભાઈએ ગીતની સરસ પસંદગી કરી છે અને ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે. ધન્યવાદ.
🌹🌹🌹🌹
Vinorai said,
November 14, 2025 @ 9:54 PM
👍
Poonam said,
November 25, 2025 @ 7:14 PM
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
વ્હાલમ, આવોને પળવાર! Mastaan…
– પ્રહલાદ જાની ‘તન્હા’
Aaswaad 👌🏻