આંખમાં મૃગજળ ભરીને શોધ નહિ
જયાં જઈશ, ત્યાં લાગશે અન્યત્ર છું
જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રહલાદ જાની ‘તન્હા’

પ્રહલાદ જાની ‘તન્હા’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વ્હાલમ, આવોને પળવાર! – પ્રહલાદ જાની ‘તન્હા’

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
.                                         વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…

કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.

Comments (14)