(તમારી યાદ પણ) – ગિરીશ રઢુકિયા
રોજ કનડે છે તમારી યાદ પણ.
બારમાસી છે અહીં વરસાદ પણ.
લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.
આપ આવો- ના જ આવો સાંજ પર,
મેં કરી છે ક્યાં કશી ફરિયાદ પણ?
ચોતરફ છે આપનું હોવાપણું,
આપના ચાલ્યાં ગયાંની બાદ પણ.
મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ.
– ગિરીશ રઢુકિયા
ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે એ વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.
વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.


Vrajesh said,
November 6, 2025 @ 10:55 AM
વાહ… ગિરીશ
Yogesh Samani said,
November 6, 2025 @ 10:59 AM
અફલાતૂન ગઝલ 👌
Dr. Vrajlal Savaliya said,
November 6, 2025 @ 11:25 AM
વાહ… ખુબ સરસ
Aasifkhan Pathan said,
November 6, 2025 @ 12:18 PM
વાહ ખુબસરસ
વાહ
પીયૂષ ભટ્ટ said,
November 6, 2025 @ 1:36 PM
વાહ, પ્રવર્તમાન મોસમને અંગત અનભૂતિ સાથે સાંકળી પ્રસ્તુત ગઝલમાં અંગત સાથેનું સાયુજ્ય આબાદ રીતે અભિવ્યક્ત થયું છે. બહુ જ સરસ દરેક શેર આગવી સહજ સરળ શૈલીથી નિખરે છે. સર્જક ને અભિનંદન સહ શુભેચ્છાઓ.
દરેક શેરને સુઘડતા પૂર્વક ખોલી વિવેકભાઈએ સરસ આસ્વાદક બારમાસી ભાણું પીરસ્યું છે.
Kishor Ahya said,
November 6, 2025 @ 6:45 PM
અસ્તિત્વમાં જે સમય ચાલ્યો ગયો છે તે ફરીથી ક્યારેય આવતો નથી તે જાણતું હોવા છતાં મનુષ્યનું મન તે સમયને પાછો લાવવા વ્યર્થ વિચારો કરતુજ રહે છે અને પરિણામ તો કઈ હોતુજ નથી આ મીઠી ખાટી યાદો પછી મન દુઃખી થઈ જાય છે. જેમ વરસાદ એના ટાણે સારો લાગે પછી હેરાનગતિ લાગે તેમ પ્રેમ પણ સાથે હોય અને સંબંધો હોય ત્યાંસુધી જ મીઠો લાગે, brek-up પછી આ યાદો ફક્ત કનડગત લાગે છે કેમકે ત્યાં હવે કશું નથી! ઝાંઝવાના નીર છે! કવિએ આ વાત પહેલી પંક્તિમા જ સરસ રીતે રજૂ કરી દીધી છે.
ગઝલમાં નાયક કહે છે, મારી કોઈ ફરિયાદ નથી પણ આ ગઝલ ફરિયાદમાંથી જ ઊઠી છે નાયકને પ્રેમની ખોટ સાલે છે “ચો તરફ છે આપનું હોવા પણું, આપના ચાલ્યા ગયા બાદ પણ” “કવિ બીજી પંક્તિમાં કહે છે આપણી વચ્ચે નથી સંવાદ પણ” આથી આ એકપક્ષીય વિરહની સ્થિતિ છે તે સ્પષ્ટ થાય છે આ અત્યંત અસહ્ય સ્થિતિ છે તેમ છતાં કવિ છેલ્લી પંક્તિમાં દરિયાદિલી દર્શાવી લખે છે .મુકત પંખીની જેમ હું જીવ્યા કરું છું , ફ્કત તમારી બાબત અપવાદ પણ. એટલેકે આગળ પાછળનો કોઈ ભાર લીધા વિના પંખીની જેમ આઝાદ જીવું છું પણ, તમારી વાત આવે ત્યારે અપવાદ એટલે કે પંખી ભોંય પર આવી જાય છે!
ખુબજ સરળ ભાષામાં લખાયેલી આ ગઝલ નાયકના મધુરા મનની વાત છે.
ક્યારેક પ્રશ્ન ઉઠે છે કે માંડ માંડ ભુલાયેલું પ્રેમનું દર્દ ,કેટલાય સમય પછી ગઝલમાં લખી, ફરીથી યાદો તાજી કરી, માત્ર ને માત્ર દુઃખ સિવાય કવિ બીજું શું મેળવી લેવાના છે?
આ પ્રશ્નના ઘણા ઉતરો હોય શકે છે, એક ઉતર મને ઠીક લાગ્યો તે એ છે કે નાયક પોતાના મનની વાત એક આશા સાથે ભાવક સમક્ષ મૂકે છે કે વ્હેતા પાણીની જેમ વહેતી આ ગઝલ ક્યારેક ને ક્યારેક નાઈકા સુધી પહોચશે. આખરે ગઝલ નાયકા ને સંભળાવવા માટે તો લખી છે!અથવા તો કોઈ સમજી શકે તેવા સમદુખીયા મળી જાય તો થોડો સમય દર્દ ભૂલી શકાય! અથવા કદાચ સ્વયંભૂ ઉતરી આવતી આવી ગઝલ, લખતાજ થોડું દર્દ ઓછું થઈ જતું હોય તેમ બની શકે .આ થોડું વિષયાંતર છે અને ચર્ચા ઊંડાઈ માંગે તેવી છે, વળી ગઝલ ફ્કત પ્રેમ માટે જ નથી લખતી હોતી, ઘણા વિષયો છે, આ ચર્ચા ફરી ક્યારેક.
શ્રી વિવેકભાઈ એ આસ્વાદ ખૂબ સરસ આપ્યો છે.
🌹🌹🌹🌹
Riyaz Langda said,
November 11, 2025 @ 3:07 PM
ખૂબ સરસ ..👌
Sejal Desai said,
November 12, 2025 @ 8:21 PM
વાહ સરસ ગઝલ
Poonam said,
January 3, 2026 @ 1:41 PM
મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ. 😊
– ગિરીશ રઢુકિયા –