ગિરીશ પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 1, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
હું તને ભૂલી ગયો છું ક્યારનો,
એમ બોલીને કરું છું યાદ પણ.
કેટલા વર્ષો પછી નજરો મળી,
હોઠ મરક્યા, ના થયો સંવાદ પણ.
સેંકડો પંખી હણાતાં જાય છે,
કોઈએ છેડ્યો નહીં વિવાદ પણ.
છે રઢુ વ્હાલું અમોને, છે જ છે,
એટલું વ્હાલું જ અમદાવાદ પણ.
– ગિરીશ પરમાર ‘રઢુકિયા’
રઢુ ગામના ગિરીશ પરમારે જે કાબેલિયતપૂર્વક “પણ” જેવી સંભાવનાસૂચક રદીફ યથાર્થ વાપરી છે એ સાચે જ કાબિલે-દાદ છે. એક પણ શેરમાં રદીફ લટકી પડી નથી બલકે શેરના અર્થમાં ભાવપૂર્ણ ઉમેરણ કરવામાં સફળ નિવડી છે. વાહ, કવિ!
Permalink
March 6, 2009 at 1:53 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પરમાર
કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?
સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?
વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?
ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?
છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?
-ગિરીશ પરમાર
દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…
Permalink