ઠંડી – કૃષ્ણ દવે
*
કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી, ઝટ પ્હેરાવો બંડી.
આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકોદડકો,
મીઠ્ઠો મીઠ્ઠો મને લાગતો એ સવારનો તડકો.
અહીંયા તો બસ ઠંડી, ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું? જેમાં નથી હૂંફનું નામ.
ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળાભાઈએ ટામેટાને ટપાક્ ટપલી મારી.
દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર!
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો!
– કૃષ્ણ દવે
બાળકાવ્યો કવિપ્રતિભાના એક પાસાંની આકરી કસોટી છે. ભલભલા મોટા નામ પણ એમાં ગોથાં ખાઈ જાય. એક તો આપણે ત્યાં બાળસાહિત્યનું સર્જન આમેય ગણતરીનું ને નફામાં બહુ ઓછા સર્જકો સારાં બાળકાવ્યો આપી શક્યાં છે. બાળકોની રોજમરોજની જિંદગીની વાતો અને કલ્પનોને બાળકોને સરળતાથી સમજાઈ જાય એવી ભાષા અને વાંચવા જતાં આપોઆપ ગવાઈ જાય એવા પ્રવાહી લય અને પ્રાસાવલિથી મઢવામાં ન આવ્યું હોય એવું બાળગીત કાવ્યતત્ત્વની એરણ પર કદાચ ઉત્તીર્ણ થઈ જાય, પણ બાળકોના હૃદય સુધી પહોંચી શકતું નથી. પ્રસ્તુત બાળગીત ઉત્તમ બાળકાવ્યોની તમામ કસોટીએ ખરું ઉતર્યું છે. આપણે તો એ ગણગણીએ જ, પણ ઓછામાં ઓછા એક બાળકને પણ સંભળાવીએ… બાળદિનની ખરી ઉજવણી એ વિના તો કેમ થશે?


Mr. Pravin Shah said,
November 14, 2025 @ 4:29 AM
khub saras IIIII
Aasifkhan Pathan said,
November 14, 2025 @ 11:50 AM
વાહ વાહ વાહ
Sonali shaha said,
November 14, 2025 @ 11:54 AM
Superbb!! આટલું સરસ લખો છો ..નોંધનીય છે. લય પણ બહુ જ મીઠા તડકા જેવી કડક છે!!
Vrajesh said,
November 14, 2025 @ 12:22 PM
Wah.. Krushnabhai
Aarti Antrolia said,
November 14, 2025 @ 3:00 PM
Kavini kalpana ne sau sau Salam.
Pragna vashi said,
November 14, 2025 @ 5:22 PM
ખૂબ જ સરસ બાળગીત અને સરસ સ્વરાંકન.
કવિને ખૂબ ખૂબ અભિનંદન.
Pragna vashi said,
November 14, 2025 @ 5:23 PM
ખૂબ જ સરસ બાળગીત અને સરસ સ્વરાંકન.
કવિને ખૂબ ખૂબ અભિનંદન. વાહહહહહ
Hiren K Mungla said,
November 14, 2025 @ 6:43 PM
ખુબ સરસ બાળગીત.દવે સાહેબે પોતે રજૂ કર્યું છે તે વિડિયો પણ મજા કરાવે તેવું ઉત્તમ પઠન કવિ એ કરયુ છે
Harihar Shukla said,
November 15, 2025 @ 10:44 AM
વાહ વાહ, નાના સાથે મોટાને પણ મોજ કરાવે એવું ગીત👌
અસ્મિતા શાહ said,
November 15, 2025 @ 9:42 PM
અતિ સુંદર બાળ ગીત
Jigisha Desai said,
November 16, 2025 @ 8:09 AM
વાહ…ઉત્તમ ગીત
Jayantibhai m konkani said,
November 22, 2025 @ 5:22 PM
Good