સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગોપી દેસાઈ

ગોપી દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગોપી – ગોપી દેસાઈ

યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર

યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું

હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…

યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો

તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…

સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…

ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં

કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…

– ગોપી દેસાઈ

લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…

Comments (7)