ગોપી – ગોપી દેસાઈ
યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર
યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું
હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…
યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો
તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…
સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…
ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં
કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…
– ગોપી દેસાઈ
લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…



Jigisha Desai said,
January 9, 2026 @ 2:20 PM
કાલે જ એક વોટ્સએપ ગ્રુપમાં વાંચી…ખૂબસરસ રચના
Riyaz Langda said,
January 9, 2026 @ 2:46 PM
વાહ….👌👌
Kishor Ahya said,
January 12, 2026 @ 10:22 AM
વાહ!સરસ અછાંદસ બન્યું છે. શ્રી વિવેકભાઈ એ કહ્યું તેમ કાવ્ય જરાયે ભારઝલ્લી નથી. ખૂબીની વાત એ છે કે કૃષ્ણ હતા ત્યાંના ત્યાં રાખી, નવા જમાનાની ગોપી પેટછૂટ્ટી ઘણીબધી વાતો કૃષ્ણ સાથે કરે છે .થોડી ફરિયાદ પણ છે, ને છેલ્લે ટ્રમ્પ ની વાત કરી કહે છે તું પણ મને અહીંથી લઈ જા! કહે છે..
“કેટલા વલોણાં વલોવ્યા કરુ?
તારી યાદના વલોણાં.”
ભારતની સંસ્કૃતિની આ મહાનતા છે કે ઈશ્વર સાથે પણ હળવી મજાકનો સંસ્કૃતિમાં સહજ સ્વીકાર થાય છે. કૃષ્ણ સાથે ગોપીએ એકતરફી કરેલી હળવી વાતો ગોપીએ વર્ષોથી સંઘરી રાખેલી એક પ્રેમ ભરેલા હદયની વેદના છે.
હજારો વર્ષમાં વહાણા વાય ગયા છે પણ ભગવાન કૃષ્ણ અને ગોપી કદી ભૂલાયા નથી. એક સંપ્રદાય છે સખી સંપ્રદાય.જેમાં કેટલીક વાર પુરુષો પણ રાધા કૃષ્ણ અને ગોપીઓનો વેશ ધારણ કરે છે જે ભક્તિ અને સમર્પણના ઊંડા સ્વરૂપને પ્રદર્શિત કરે છે.
કૃષ્ણ અને અને ગોકુળની ગોપીઓ વચ્ચે પારિવારિક સંબંધ. નંદનું ઘર એટલે ગોપનું ઘર. ગોપ એટલે ગાયો ચરાવનાર પ્રજાતિ, અને ગોપીઓ એટલે આ પ્રજાતિની યુવાન કન્યાઓ. કૃષ્ણ વાંસળી વગાડે, ગોપીઓ સાંભળવા દોડતી આવે. જ્યાં જ્યાં કૃષ્ણ ત્યાં ત્યાં ગોપીઓ, રોજ રોજ કૃષ્ણ ગોપીઓને અનેક અનેક મજાક કરી પરેશાન કરે ! ખબરજ ન પડે કે ગોપીઓ કૃષ્ણ પાછળ છે કે કૃષ્ણ ગોપીઓ પાછળ! કૃષ્ણ અને ગોપી વચ્ચેના નિર્દોષ પ્રેમના આ સંબંધો ન તો કૃષ્ણ કદી ભૂલી શક્યા હશે! ન કદી ગોપીઓ! સબસે ઊંચી પ્રેમ સગાઈ. ઢાઈ અક્ષર પ્રેમકે, ગોપીએ આ અક્ષર કૃષ્ણ પાસેથી શીખી લીધા છે. ભૂલવું અશક્ય છે પણ સામાજિક બંધનો ગોપીઓને બાંધે છે.
“છાણા વીણું ,વાસીદું વાળું
ચૂલો અને ચાકરી….
કોની?
ઘરવાળો અને છોકરા”
ગોપી પણ કૃષ્ણને પૂછી જ લે છે “રાધા કે રુક્મિણીના ટચમાં છું?”
ગોપી મનમાં આવે તેવી હળવી વાતો સીધા અને શટ શબ્દોમાં કહ્યે જાય છે, અને કહેવાય છે ને કે હૈયે તેવું હોઠે! આવુજ કઈક ગોપી બોલતી રહે છે, જે વાતો થી ભાવકના હોઠ થોડા જરૂર મલકાય જાય છે! અને એજ આ અછાંદસનો એકમાત્ર હેતુ છે.
ગોપી માટે કૃષ્ણ ભગવાન નથી પણ સખા છે, એટલે એકવચન માં સંબોધન અને “તને ડિક્કો ,તને નહી સમજાય, તને કોઈ ટપ્પી નહીં પડે. ક્યાં છો ડાકોરમાં ? કે દ્વારકામાં?” વગેરે શબ્દો પંક્તિમાં એની જગ્યાએ સરસ લાગે છે.
શ્રીમદ્ ભગવત ગીતાનો ઉપદેશ આપનાર, પૂર્ણ અવતાર ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની આ વાતો એક લીલા માત્ર છે! અધર્મનો નાશ કરવા અને દુનિયાને ધર્મનો ઉપદેશ આપવા માટેજ ભગવાને શરીર ધારણ કર્યું, અને કાર્ય પૂરું થતા જ શરીરમાંથી વિદાઈ લઈ અંતરર્ધ્યાન થયા.
કવિયત્રી સુ.શ્રી ગોપી દેસાઈની જરા હટકે … સરસ કાલ્પનિક રચના છે.
વિવેકભાઈએ કાવ્યની સરસ પસંદગી કરી, સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
Mamta Pandya said,
January 13, 2026 @ 1:56 AM
મસ્ત!!
Gopi Desai said,
January 15, 2026 @ 1:31 PM
આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. Sunita ljjatkumar એ WhatsApp પર શેર કર્યું.
ત્યારે મારા આ પરાક્રમ વિષે જાણ્યું. લયસ્તરો પર આ કવિતા ☺️
આભાર Vivek Tailor ખોબલે… ખોબલે…
Riyaz Langda
Kishor Ahya
અને જય વસાવડા જેમણે FB પર share કરી (ન ભૂલી શકાય)
વિવેક said,
January 15, 2026 @ 6:52 PM
@ગોપી દેસાઈ:
સાઇટ ઉપર સ્વયં સર્જકનો પ્રતિભાવ સાંપડે એટલે અમને અદકેરો આનંદ થાય…
ખૂબ ખૂબ આભાર ગોપીજી…
વિવેક said,
January 15, 2026 @ 6:53 PM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રો અને ખાસ કરીને શ્રી કિશોર આહ્યાનો આભાર…