આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ અધ્વર્યુ

વિનોદ અધ્વર્યુ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

સાંજ - વિનોદ અધ્વર્યુસાંજ – વિનોદ અધ્વર્યુ

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

– વિનોદ અધ્વર્યુ

સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ…  બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.

Comments (11)