આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પિનાકિન ત્રિવેદી

પિનાકિન ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)

*

હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)

ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.

આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.

આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !

સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.

છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.

Comments (2)

કબીર – ભજન

તોકો પીવ મિલેંગે ઘૂંઘટ કા પટ ખોલ રે.
ઘટઘટ સેં વહ સાંઇ રમંતા કટુક વચન મત બોલ રે.

ધન જોબન કો ગરબ ન કીજૈ જૂથ પચરંગ ચોલ રે.
સુન્ન મહલ મેં દિયના બારિ લે આસ સોં મત ડોલ રે.

જોગ જુગત સોં રંગ મહલ મેં પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ બાજત અનહદ ઢોલ રે.

-કબીર

ઘૂંઘટનો પડદો ખોલી નાખ,તને પ્રિયતમ મળશે ! સર્વત્ર એ જ સાંઇ-પ્રિયતમ રમી રહ્યો છે,માટે તું કડવા વેણ ન બોલ.

આ ધન-દોલત,આ યુવાની નો તું લગીરે ગર્વ ન કરીશ, કારણકે આ પંચતત્વનું પચરંગી ખોળિયું અનિત્ય અને નાશવંત છે. તું આત્મજ્ઞાનની સાધના દ્વારા શૂન્ય-મહેલ [ બ્રહ્માંડ ] માં જ્યોતિર્મય બ્રહ્મનો દીપક પ્રગટાવી લે અને બીજી ભૌતિક તૃષ્ણાથી તું વિચલિત ન થા.

કબીર કહે છે કે મેં તો બ્રહ્માંડરૂપી રંગમહલમાં યોગસાધનાથી બ્રહ્મ-સાક્ષાત્કાર અનુભવ્યો છે,અને તે ક્ષણે દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે….આનંદની અનાહત દુંદુભિ ગાજી ઉઠે છે….

 

‘…….ઘૂંઘટ કા પટ ખોલ રે…’ – આ પંક્તિ મારી અતિપ્રિય પંક્તિ છે. ઈશારો એ તરફ છે કે આપણે જન્મથી આજ સુધીમાં એટલી બધી – એટલી બધી !!! – માન્યતાઓ,પૂર્વગ્રહો,જડ ધારણાઓ, સંકુચિત મનોવૃત્તિઓ ઇત્યાદિના અજગર-ભરડામાં ગ્રસ્ત થઇ ચૂક્યા હોઈએ છીએ કે આપણે હાથમાં આવેલા કોહિનૂરને ઠીકરું સમજી ફગાવી દઈએ છીએ. જડબેસલાક conditioning નાં આપણે સૌ શિકાર છીએ. હૃદયની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ હૃદયની વાત કદી સંભાળતા નથી…મગજ આપણાં અસ્તિત્વનો સંપૂર્ણ કબજો જમાવીને બેઠું છે. ઇન્દ્રિયો વડે આપણને ઇન્દ્રીયાતીતને પામવું છે ! આપણે માત્ર આપણી memory ને કોરાણે મૂકી પ્રત્યેક ક્ષણને એક ફ્રેશ અનુભવ તરીકે જીવી શકીએ તો મગજની ગુલામીમાંથી મુક્તિ મળે…અને તે અવસ્થા તે innocence …..

Comments (7)

કબીર – અનુ.-પિનાકિન ત્રિવેદી-રણધીર ઉપાધ્યાય

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

જોગી હુઆ ઝલક લગી મિટિ ગયા એંચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

-કબીર

૧- મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ[ તેની લીલા જ ] જ દેખાય છે. આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……

૨- બહાર ભટકતો એવો હું ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો એટલે અનંતની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. પછી સ્વામી અને સેવક સદાયે સાથે જ વસંત ખેલતા થઈ ગયા.

૩- પરમ તત્વની ઝાંખી માત્રથી બધીય ખેંચતાણ ટળી ગઈ. મારું અસ્તિત્વ [ અહમ ] ઓગળી ગયું એટલે અહમ પણ બ્રહ્મરૂપ થઈ ગયું.

૪- સુરતિ [ આત્મા ] નિરતિમાં [ આનંદ-સ્વરૂપ પરમાત્મા ] સમાઈ ગઈ અને સ્થૂળ જાપ અંતરમાં ચાલ્યા કરતા અખંડ જપમાં વિલીન થઈ ગયા. લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.

૫- પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે. દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

૬- કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી. રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો. કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી. એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

Comments (11)

કબીર – અનુ. પિનાકિન ત્રિવેદી / રણધીર ઉપાધ્યાય

યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં,
સીસ ઉતારૈ ભુઇ ધરૈ તબ પૈઠે ઘર માહિં.

પ્રેમ પિયાલા જો પીયૈ સીસ દચ્છિના દેય,
લોભી સીસ ન દે સકે નામ પ્રેમ કા લેય.

છિનહિં ચઢૈ છિન ઉતરૈ સોં તો પ્રેમ ન હોય,
અઘટ પ્રેમ પિંજર બસૈ પ્રેમ કહાવૈ સોય.

જબ મૈં થા તબ ગુરુ નહીં અબ ગુરુ હૈં હમ નાહિં,
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિં.

જા ઘટ પ્રેમ ન સંચરે સો ઘટ જાન મસાન,
જૈસે ખાલ લોહારકી સાંસ લેત બીનું પ્રાન.

ઉઠા બગૂલા પ્રેમકા તિનકા ઉડા અકાસ,
તિનકા તિનકાસે મિલા તિનકા તિન કે પાસ.

કબિરા પ્યાલા પ્રેમકા અંતર લિયા લગાય,
રોમ રોમ મેં રમિ રહા ઔર અમલ ક્યા ખાય.

 

આ તો પ્રેમનું ઘર છે નહિ કે માસીનું ઘર. અહીં તો માથું ઉતારી ભોંયે ધરે તેને જ પ્રવેશ મળે.

પ્રેમનો પ્યાલો પીનાર દક્ષિણામાં મસ્તક ઉતારી દે છે. લોભી માત્ર પ્રેમનું નામ લઇ શકે છે-એ મસ્તક ક્યાંથી ઉતારી આપે ?

ઘડીમાં ચડે અને ઘડીમાં ઊતરી જાય તેને કંઈ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ જ કહેવાય જે દેહ પિંજરમાં વસવા છતાંએ સ્થૂળના આધાર વિનાનો હોય છે.

જ્યાં સુધી ‘હું'[અહંકાર] હતો ત્યાં સુધી ગુરુ [પરમાત્મા] ન હતા અને હવે ગુરુ જ છે,’હું’ નથી. આ પ્રેમની ગલી તો અત્યંત સાંકડી છે,એમાં બે ન સમાય.

એ જીવન સ્મશાનવત છે જેમાં પ્રેમનો સંચાર નથી થયો. શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે, પણ તેમાં પ્રાણ ક્યા છે ?

પ્રેમનો વંટોળ જાગ્યો. માનવમાં રહેલું પ્રેમરૂપી તરણું બ્રહ્માંડમાં ઉઠ્યું. તે પ્રભુપ્રેમ રૂપી તરણાને મળ્યું. આમ પ્રભુનો પ્રેમ જે માનવમાં રહ્યો હતો તે પાછો પ્રભુ પાસે પહોંચ્યો. [ અર્થાત, ઘણીવાર માનવ ઈશ્વરની લીલાને સમજી નથી શકતો અને વંટોળિયાને આફતરૂપ ગણે છે. હકીકતમાં તે ઈશ્વરની અસીમ કૃપા જ વેશ બદલીને કાર્ય કરતી હોય છે.]

કબીરના હૈયાએ પ્રેમનો પ્યાલો પીધો છે,તેને હવે બીજા નશાની શી જરૂર ?

Comments (2)