ગઝલ – પરવીન શાકિર (અનુ. હિતેન આનંદપરા )
કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી
આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી
બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી
એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી
હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી
હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી
જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.
પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-
आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું......]
