ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સ્નેહી પરમાર

સ્નેહી પરમાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પાણી ઝર્યું – સ્નેહી પરમાર

આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!

દીકરીને બાપનું ઘર સાંભર્યું,
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું.

પૂર્વજોએ લાવીને મૂક્યું હતું,
મેં તો ઊભા થઈને એને પાથર્યું.

એણે શસ્ત્રોની સજાવટ આદરી,
મેંય મારું આંગણું સરખું કર્યું.

એમ મારામાંથી દૂર ચાલ્યાં તમે,
માટમાંથી જે રીતે પાણી ઝર્યું.

સાથ લીધો પથ્થરોએ દેવનો,
લાકડું હળવાશને લીધે તર્યું.

– સ્નેહી પરમાર

લયસ્તરો પર કવિમિત્ર સ્નેહી પરમારના ‘ઊડતું ભાળ્યું અંધારું’ કાવ્યસંગ્રહનું સહૃદય સ્વાગત.

ફૂદાંના તેજસ્વી રંગોમાં કવિને અગનઝાળ દેખાય છે. આ એવી તો પોતિકી ઝાળ છે જે ન તો અગ્નિથી પ્રગટી શકે, ન એને વાયુ ઠારી શકે. બાપ પોતાની જાત પૂરીને, બાળીને ઘરનો દીવડો સળગતો રાખે છે એ વાત બાપ યાદ આવતાં પરિણીત દીકરી વડે કોડિયામાં ઘી ભરવાના રૂપકથી કેવી ઝળહળ થઈ છે! व्यासोच्छिष्टं जगत्सर्वम्ની વાત યાદ અપાવતો શેર થોડો અસ્ફુટ રહી ગયો છે. આપણાં વિચાર-ભાષા-કળા-આવડત આ તમામ આપણાં પૂર્વજો તરફથી આપણને મળ્યું છે, કશું આપણું પોતાનું નથી. કેવળ આપણને મળેલ વારસાને ઊભા થઈને આપણે કઈ રીતે વિસ્તારીએ છીએ એમાં જ આપણી આવડત છતી થાય છે. સામો માણસ લડવાની તૈયારી કરે, એનો સામનો કરવા કવિ સામા આયુધ સજવાને બદલે આંગણું સરખું કરે છે. પ્રેમભર્યો આવકાર જ વિરોધીને જીતવા માટેનું ખરું શસ્ત્ર ગણાય ને!? માટલામાંથી ધીમેધીમે પાણી ઝરવાની વાતને પોતાનામાંથી દૂર ચાલ્યાં ગયેલ પ્રિયા સાથે સંકળી લેતો શેર તો હાંસિલે-ગઝલ છે. છેલ્લો શેર પણ અદભુત.

Comments (5)

તપેલી છે – સ્નેહી પરમાર

એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે

ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે

આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે

ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે

ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે

જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે

– સ્નેહી પરમાર

‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.

Comments (13)

કલાધર્મ – સ્નેહી પરમાર

હવાને કહોને હવાધર્મ પાળે
ભલે બારણાં, બારણાધર્મ પાળે

કદી બ્હાર આવે, કદી જાય ભીતર
આ વૈરાગ પણ કાચબાધર્મ પાળે

બધાં જળને પોતાનું થાનક ગણે છે
ઘણાં એ રીતે માછલાધર્મ પાળે

એ બોલ્યું જો બદલે, નવાઈ ન પામો
ઊંચા માણસો તો ધજાધર્મ પાળે

ન આદત છૂટે ડંખવાની કદાપી
ભલે માણસો કંઈ વડાધર્મ પાળે

પીડાને એ પટરાણી માની નવાજે
કલમ પણ વધુ શું કલાધર્મ પાળે !

– સ્નેહી પરમાર

ધર્મ પ્રત્યય લગાડીને કવિએ તો કાફિયાનો રંગ જ સમૂચો બદલી નાંખ્યો. બારણાં ભલેને બારણાંનો ધર્મ પાળે, ભલેને બંધ રહે, હવાએ પોતાનો ધર્મ-તિરાડમાંથી પણ વહી નીકળવાનો ભૂલવો ન જોઈએ. એક શેર યાદ આવ્યો: ભીડ્યાં હો શક્યતાનાં ભલે દ્વાર ચસોચસ; હું તો હવા છું, મારે તો તિરાડ બસ હતી. સમય વર્તીને કાચબો પોતાનું આખું શરીર ક્યારેક એની પીઠની ઢાલમાં સંકોરી લે, ક્યારેક બહાર કાઢે એ ગુણધર્મ સાથે આપણા સ્મશાનવૈરાગ્યને સાંકળીને કવિ ભારોભાર કટાક્ષ પણ કરી જાય છે. અંતિમ શેર પણ કળા અને પીડાનો અવિનાભાવી સંબંધ સુપેરે ઉજાગર કરી શક્યો છે.

તાજા સમાચાર મુજબ કવિના પુસ્તક ‘યદા તદા ગઝલ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2015 માટેનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે એ માટે કવિને ટીમ લયસ્તરો તરફથી અઢળક મબલખ સ્નેહાભિનંદન !

Comments (15)

સભાપાત્રતાની ગઝલ – સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કવિ સ્નેહી પરમાર અહીં સભાની અને સભામાં બેસનારની લાયકાતની ગઝલ લઈ આવ્યા છે. આપણી ભાષામાં આવો વિષય કદાચ કોઈએ પહેલવહેલીવાર અને એ પણ નખશિખ ઔચિત્ય સાથે ખેડ્યો હશે. ગઝલ જેમ જેમ આગળ વધે છે એમ એમ શેર વધુને વધુ બળવત્તર બનતા જાય છે અને આખરી બે શેર તો જાણે સૉનેટની પરાકાષ્ઠા જેવા. વાહ કવિ !

Comments (26)

ઊઠે છે – સ્નેહી પરમાર

snehi parmar

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

– સ્નેહી પરમાર

બગસરાથી કવિમિત્ર સ્નેહી પરમાર એમનો બીજો ગઝલસંગ્રહ “યદા તદા ગઝલ” લઈ આવે છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત અને અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (8)

એકનાં બે ન થાય – સ્નેહી પરમાર

એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવાં છે.

– સ્નેહી પરમાર

કેવી મજાની ગઝલ ! નજર લાગી જાય એવી…

Comments (12)

સ્વીકારું – સ્નેહી પરમાર

ઇચ્છાઓની હડિયાપાટી સ્વીકારું
વાહન રાખ્યું છે, ઘુરર્રાટી સ્વીકારું

આડાંઅવળાં દૃશ્યો ના દેખાડું સૌને
માટી ખાધી છે તો માટી સ્વીકારું

ઉપર હળદર જેવું ચમકે છે તન, કિન્તુ
અંદર છે એક હલદીઘાટી, સ્વીકારું

પાણી હો જેનામાં એ દેખાડી દે
કોઈ કહે કે ‘તું છે માટી’, સ્વીકારું

જન્મ છે ઉત્સવ તો મૃત્યુ મહોત્સવ છે
જેમ સ્વીકારું ત્વચા, રૂંવાટી સ્વીકારું

– સ્નેહી પરમાર

જાનદાર ગઝલ. ઇચ્છાઓના વાહનની ઘુરર્રાટી અદભુત તો કૃષ્ણ જેવા કૃષ્ણનો અભૂતપૂર્વ ઉધડો લેતો શેર લાજવાબ. ભીતરની હલદીઘાટીનું કલ્પન મજાનું તો છેલ્લા બે શેર પણ એવા જ જોરદાર…

Comments (15)

ગઝલ – સ્નેહી પરમાર

કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે
પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે.

અહીં એક માણસ કમરથી જરા જો નમી જાય છે,
ખબર ના પડે, કોણ આવી ને ખભ્ભો ધરી જાય છે.

નર્યાં પ્રેમપત્રોનાં પરબીડિયાં થઈ રહી જાય છે,
સમય જાય છે એમ આંખોય આંખો મટી જાય છે.

ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા,
કદી તાવ આવે તો મીઠાંના પોતાં બની જાય છે.

મને આંખ-માથું દુખે ને ભૂલી જાય તારીખ એ,
કહો પ્રેમ કેવા સમયના સીમાડા વતી જાય છે !

– સ્નેહી પરમાર

મજાની ગઝલ…

Comments (6)

ગઝલ – સ્નેહી પરમાર

ખાઈ રોટી ને પ્યાજ ઊંઘે છે,
એક રાજાધિરાજ ઊંઘે છે.

વીજળીનાં જીવંત વાયર પર,
એક આખ્ખો સમાજ ઊંઘે છે.

હોઠ પર છે ધજા બગાવતની,
ફેફસાંમાં અવાજ ઊંઘે છે.

ભૂખ જાગ્યા કરે પથારીમાં,
આમ બંદાનવાજ ઊંઘે છે.

પિંડ ટંગાય દૂર ખીંટી પર,
કોઈ પહેરીને તાજ ઊંઘે છે.

આંખ અંગત બનાવ ભૂલીને,
એકબીજાને કાજ ઊંઘે છે.

– સ્નેહી પરમાર

કેવા અદભુત કલ્પન અને કેવી મજાની ગઝલ…

Comments (11)

એક આણાતનું ગીત – સ્નેહી પરમાર

અજવાળી આઠમને તેડે આવજો

રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો

બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો

સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.

– સ્નેહી પરમાર

પ્રોષિતભર્તૃકાના કંઈ કેટલાય ગીત-કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવણાંની રાહ શી રીતે જુએ છે એની વાત તળપદી ભાષામાં રજૂ થઈ છે.

આઠમના અજવાળાનું મહત્ત્વ છે. માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ. રાત હોય કે પછી વામકુક્ષીની વેળા – પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે ? કપડાં પણ અંગ પર શોભતા નથી. કારણ ? જબ તક ન પડે આશિક કી નજર, શૃંગાર અધૂરા રહેતા હૈ… અને છેલ્લી કડી ‘આવો ત્યારે સીધા મેડે આવજો’ તો સીધી દિલમાં ઘર કરી જાય છે…

*

આણાત = આણે જવાને તૈયાર થયેલી અથવા આણેથી આવેલી
રોંઢો = બપોર અને સાંજના વચ્ચેનો વખત; દિવસના ત્રીજા પહોરનો વખત
ખોટીપો = ખોટી થવું તે; ઢીલ રોકાણ; વાર; વિલંબ

Comments (16)

વચમાં આવે – સ્નેહી પરમાર

વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે

એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે

ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે

સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે

તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે

પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.

– સ્નેહી પરમાર

સાધુ, આને કહેવાય અસલી ગઝલ…  શબ્દનો આકાર જેવો આપવા જઈએ કે અસલી અનુભૂતિ બદલાઈ જાય છે. અનુભૂતિને હેમક્ષેમ રજૂ કરી શકે એવી ભાષા તો હજી શોધાવાની જ બાકી છે.કવિ જે કમાલ બે પંક્તિઓમાં કરી શકે છે એ કમાલ ઉપનિષદ-વેદોના આખેઆખા થોથાંય કરી શકતા નથી. પણ આ કવિ તો એથીય આગળ છે. બધાય ગ્રંથોનો સાર કવિ માત્ર એક જ લીટીમાં આપી દે છે: પાથરીએ તે પગમાં આવે.   જે સમષ્ટિમાં છે એ તત્ત્વ દેહમાં આવે તો કવિ આર્કિમિડિઝની જેમ ઉલ્લાસ વ્યક્ત કરવા કટિબદ્ધ છે. અને અંતે પડછાયા પકડવાની વૃત્તિ હોય તો અજવાળું ક્યાંથી હાથમાં આવે? કેમકે પડછાયા અને પ્રકાશની વચ્ચે જે વસ્તુનો પડછાયો પડે છે એ તો ઊભી જ હોવાની…

Comments (19)

તપ કરવાનું – ‘સ્નેહી’ પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…

Comments (18)