તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રફુલ્લા વોરા

પ્રફુલ્લા વોરા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંજળ -ડો.પ્રફુલ્લા વોરા
અધૂરો ખેલ - પ્રફુલ્લા વોરા
ઉછેર્યાં છે - પ્રફુલ્લા વોરા
ગઝલ - પ્રફુલ્લા વોરા
થોડું અંગત અંગત - પ્રફુલ્લા વોરા
મુક્તક - પ્રફુલ્લા વોરા



ગઝલ – પ્રફુલ્લા વોરા

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

કળાને હંમેશા ઘેરો રંગ જ માફક આવ્યો છે પણ આ કવયિત્રી નક્કર પોઝિટિવિટીની ગઝલ લઈ આવ્યા છે. આખી ગઝલમાં ક્યાંય કોઈ વિષાદ નજરે ચડતો નથી. આવી સંઘેડાઉતાર વિધાયક રચનાઓ તો ભાગ્યે જ મળતી હોય છે.

હું તો જોકે મત્લાના શેરથી આગળ જ વધવા માંગતો નથી. સંગીતને જે નજરે કવયિત્રીએ જોયું છે એ નજરે આજ સુધી ભાગ્યે જ કોઈએ જોયું હશે… રાગ-રાગિણીના જાદુની વાત તો બધા કરી ગયા. પણ કવયિત્રી રાગના સ્થૂળ ઉપાદાન આંગળી અને તારની વાત છેડીને એક અદભુત શેર આપણને આપવામાં સફળ થયા છે.

Comments (13)

મુક્તક – પ્રફુલ્લા વોરા

ઝાકળ જેવું જીવે માણસ,
અજવાળાથી બીવે માણસ.
જીવતર આખું દોડી દોડી
ખાલીપાને પીવે માણસ.

– પ્રફુલ્લા વોરા

ભાવનગરની શિશુવિહાર સંસ્થા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્રીસેક વર્ષોથી નિયમિત યોજાતી કવિઓની ‘બુધસભા’ અને દોઢેક દાયકાથી દર વર્ષે યોજાતું કવયિત્રીસંમેલન (આ ઘટના તો કદાચ એકમાત્ર હશે!) એમની નોંધપાત્ર પ્રવૃત્તિઓ છે. બુધસભાના કવિઓની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘નીરક્ષીર’ અને કવયિત્રીસંમેલનની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘જ્હાન્વી સ્મૃતિ’ના નામે દોઢ દાયકાથી પ્રગટ થાય છે… આ સંગ્રહમાંથી એક નાનકડું પુષ્પ…

Comments (13)

થોડું અંગત અંગત – પ્રફુલ્લા વોરા

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !

ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.

Comments (13)

અંજળ -ડો.પ્રફુલ્લા વોરા

ફૂલની ભાષા સમું ઝાકળ મળે,
સાવ કોરા ફલક પર વાદળ મળે.

આપણું હોવું બને પર્યાય જો
લાલ-કંકુ છાંટણે અંજળ મળે.

ભાગ્યનું પરબિડીયું અકબંધ છે,
ક્યાંક સગપણ, ક્યાંક તો અટકળ મળે.

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,
સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

બસ, હવે આ આયખું ઉત્સવ બને,
દીપ શ્રદ્ધાનો કદી ઝળહળ મળે.

– ડો. પ્રફુલ્લા વોરા

Comments (9)

ઉછેર્યાં છે – પ્રફુલ્લા વોરા

સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે

– પ્રફુલ્લા વોરા

Comments (9)

અધૂરો ખેલ – પ્રફુલ્લા વોરા

કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી… કે શોધું…

યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
એકલદોકલ વાત નથી આ,
બંધ ગઠરિયાં છૂટી…. કે શોધું…

ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…

-પ્રફુલ્લા વોરા

મઘઈ પાનનું બીડું મોઢામાં મૂકીએ અને ધીમે ધીમે ચાવતાં જઈ એનો રસ ખૂટી જવાનો કેમ ન હોય એવી અધીરપથી શક્ય એટલા સમય સુધી માણવાની કોશિશ જેમ કરીએ એમ જ ખૂબ આહિસ્તે-આહિસ્તે મમળાવવા જેવું આ ગીત. દરેક કલ્પનો પર અટકીને વિચાર કરવો પડે કે આ માત્ર શબ્દોના પ્રાસ છે કે પ્રાસથી ય કંઈક આગળ… ઘોડાની આગળ ગાજર બાંધીએ અને ઘોડો દોડતો રહે એવી પરિસ્થિતિ આપણા સહુની છે પણ કવયિત્રી કેવા કમનીય શબ્દો લઈને આવે છે! એમણે ભ્રમણાઓ અને એ પણ ભૂરી અને તૂરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂરો રંગ આકાશનો રંગ છે એ અર્થમાં એ ભ્રમણાઓની વિશાળતાનો સંકેત કરે છે તો તૂરો શબ્દ ગમે એવી વિશાળ કેમ ન હોય, ભ્રમણાનો સ્વાદ તો આવો જ રહેવાનો એમ ઈંગિત કરતો ભાસે છે. અને કઈ ભ્રમણાઓ માણસને દોડતો રાખે છે? આજે નહીં તો કાલે, સુખના વાદળ ઊગશે એજ ને? અહીં કવયિત્રી કદાચ અજાણતાં જ બીજી અર્થસભર વ્યંજનાનો કાકુ સિદ્ધ કરે છે. સુખ માટે એ વાદળનું કલ્પન વાપરે છે. પણ વાદળની જિંદગી કેટલી? વાદળે ક્યાં તો પવન સાથે વહી જવાનું ક્યાં સમય સાથે વરસી જવાનું, પણ એનું હોવું તો ક્ષણભંગુર જ ને… આ તો બે લીટીની વાત થઈ. આખું કાવ્ય જ મઘઈ પાનના બીડાંની જેમ ચગળવું પડશે…

Comments (11)