વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
શબનમ ખોજા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અશોક ચાવડા ‘બેદિલ’

અશોક ચાવડા ‘બેદિલ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

વરસાદ – અશોક ચાવડા ‘બેદિલ’

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.

– અશોક ચાવડા ‘બેદિલ’

એકસાથે સાત-સાત પુસ્તકો તાજેતરમાં જ આપનાર કવિના સંગ્રહ ‘પગરવ તળાવમાં’માંથી એક વરસાદી ગઝલ આપ સહુ માટે પ્રવર્તમાન વરસાદી માહોલમાં… બધા જ શેર ગમી જાય એવા પણ છત ઉપરનો વરસાદ અને ઘર ખાલી કરતી વખતે ભરાઈ આવતી પાંપણોનો વરસાદ સહેજે વધુ ભીંજવી જાય છે…

Comments (8)

દીવો કરી જુઓ -અશોક ચાવડા ‘બેદિલ’

અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.

અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.

ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”

મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.

મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.

– અશોક ચાવડા ‘બેદિલ’

અંધારાથી ડર્યા વગર જો દીવો કરીશું તો અજવાળું એની મેળે સામેથી ભેટવા આવશે…

Comments (11)

સવાર કરવામાં – અશોક ચાવડા ‘બેદિલ’

હતું જે એય ગયું ફેરફાર કરવામાં;
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં.

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં.

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં.

-અશોક ચાવડા ‘બેદિલ’

અશોક ચાવડાની એક મજેદાર ગઝલ. ગઝલનો પહેલો જ શેર કોઈ છીપ ઉઘાડીએ અને મોતી નીકળે એવી સફળ નજાકતથી કેવો મસ્ત ખૂલે છે ! બીજો શેર પણ એ રીતે હાંસિલે-ગઝલ શેર થયો છે. કઈ સવારના અનુલક્ષમાં કવિ હકીકતનું અનુસંધાન આપે છે?

Comments (7)

મા-અશોક ચાવડા ‘બેદિલ’

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…

Comments (15)