હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for એસ. એસ. રાહી

એસ. એસ. રાહી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - એસ. એસ. રાહી
ગઝલ - એસ. એસ. રાહી
ગઝલ - એસ.એસ. રાહી
ગઝલ - એસ.એસ.રાહી
મુક્તક - એસ. એસ. રાહી
સમય નામની કણી - એસ. એસ. રાહીગઝલ – એસ.એસ.રાહી

ધારો તો હું ફકીર છું, ધારો તો પીર છું,
બંનેની શક્યતા છે હું એવો અમીર છું.

મારી ત્વચા વડે જ બધું સાંભળું છું હું,
અફવા છે એવી લોકમાં કે હું બધીર છું.

એકાંત કેવું હોય છે પૂછો મને તમે,
હું તો સમયની જેલનો જૂનો અસીર છું.

ધારું તો ફેરવી શકું મારું નસીબ હું,
શોધી શકે ન કોઈ હું એવી લકીર છું.

એમાંથી એકને તમે ચાહી શકો પ્રિયે,
શાયરનું રક્ત છું અને થીજેલું નીર છું.

દેખાય કેમ આંખ કબૂતરની વૃક્ષ પર,
હું તો કમાનમાં જ ફસાયેલું તીર છું.

શતરંજની રમત મને ભારે પડી ગઈ,
જ્યારે કહ્યું મેં એમને કે હું વજીર છું.

– એસ.એસ.રાહી

 

Comments (9)

ગઝલ – એસ.એસ. રાહી

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક

શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક

નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક

હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક

હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક

– એસ.એસ. રાહી

સૂફી વાણી-વિચારની સુવાસ વાળી ગઝલ. શબ્દોની મીઠાશ જ મન મોહી લેવા માટે પૂરતી છે.

Comments (9)

મુક્તક – એસ. એસ. રાહી

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે.
નહીં તો આ દોડતું હરણ ઊભું રહે નહીં
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

– એસ. એસ. રાહી

Comments (7)

સમય નામની કણી – એસ. એસ. રાહી

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.

– એસ. એસ. રાહી

ગઝલમાં બધે દુ:ખ, નડતર, અભાવની વાત છે પણ છતાંય એમાં એક જાતનો સંતોષ વરતાય છે.  એક નિરાંત અનુભવાય છે. જાત સાથે સમાધાન કરી ચૂકેલો માણસ જ તારા ગણવાને બદલે ડાયરી વાંચીને નવરાશ વિતાવે ને ?

Comments (7)

ગઝલ – એસ. એસ. રાહી

વાવડનો  તાર  મળશે  મને  આજકાલમાં
આવે  છે  જેમ  યક્ષિણી  થઇ તું  ટપાલમાં.

શીતળ  શિશિરની બીક મને ના બતાવ તું
થોડોક  તડકો  સાચવ્યો  છે મેંય  શાલમાં.

મારી  દીવાનગી  વિશે  લોકોને  અદેખાઇ
ને  તુંય  કેવું  કહી  ગઇ  મુજને  વહાલમાં.

કાળો  સમુદ્ર  યાદ  કરી  અશ્રુ  ના વહાવ
તેમાં  તરી  રહ્યો  છું હજી પણ હું, હાલમાં.

‘રાહી’ના  રોમેરોમમાં  વ્યાપેલી  હોય  તું
હોતી  નથી  તું  જે  ક્ષણે  મારા ખયાલમાં.

-એસ. એસ. રાહી

પાંચ શેર… પાંચ કવિતા… માખણના પિંડમાં છરી જે સરળતા-સહજતાથી ઉતરી જાય એવા મસૃણ કાફિયાઓ અને પ્રણયની ઉત્કટ બળવત્તર ભાવનાઓથી ભર્યા-ભર્યા અશ્આર. કાળા સમુદ્રવાળા શેરમાંથી જે અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉભરી આવે છે એ તો આ ગઝલનો પ્રાણ છે જાણે.

Comments (4)

ગઝલ – એસ. એસ. રાહી

દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે

સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે

પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે

એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે

ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે

– એસ. એસ. રાહી
પ્રિયાની આંખમાં સદીઓથી કવિઓ ડૂબકી લગાવતા આવ્યા છે. પણ એની પાછળનું સાચું કારણ શું છે શોધવાની રાહીસાહેબની આ રીત સાવ અનોખી છે. (મૂળ નામ : શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા, જન્મ: 28-12-1952, કાવ્યસંગ્રહ: ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’).

Comments (2)