ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરજીવન દાફડા

હરજીવન દાફડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેમનું પટોળું કર – હરજીવન દાફડા

તીરથી તેજ કર પ્રહાર મને,
ઘેનથી અબઘડી ઉગાર મને.

એક અદનું હું તારું સર્જન છું,
સાવ નિર્મમપણે મઠાર મને.

વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને.

ઓપ આપી રહ્યો છું લેખણથી,
અન્ય શું આવડે નિખાર મને.

બે’ક નિઃશ્વાસ કોઈના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.

લે, મરી જાઉં હું મર્યા પહેલાં,
દાસી જીવણની દે કટાર મને

– હરજીવન દાફડા

ગઝલની વિચક્ષણ લાક્ષણિકતા એ છે કે ઓછામાં ઓછા શબ્દોમાં એ મોટામાં મોટી વાત કહી શકે છે. ટૂંકી બહરની આ ગઝલના તમામ શેર અદભુત થયા છે. તીરના તેજ પ્રહાર વિના સંસારનો નશો ઉતરતો નથી એ સાચું પણ એ વાતનો અહેસાસ આપણામાંથી કેટલાને હોય છે? ઈશ્વર પાસેથી સારું જીવન તો આપણે સહુ માંગીએ છીએ, પણ શિલ્પી જે રીતે છીણી-હથોડી વડે પથ્થરને નિર્મમપણે કોતરીને શિલ્પ સર્જે એ રીતે સર્જનહાર પણ કોઈપણ જાતની દયા દાખવ્યા વિના સ્વયંને મઠારે એવી ઇચ્છા પોતે જ કેટલી મોટી વાત કહેવાય! કોઈના નિઃશ્વાસ ઝીલી લઈ એને સહાયભૂત થવાની મનોકામના પણ સ્પર્શી જાય એવી છે.

Comments (11)

મારા આ રંગમાં – હરજીવન દાફડા

એનોય રંગ હોય છે મારા આ રંગમાં,
નહિ તો જીવાય કેમ અહીંયા ઉમંગમાં!

કાંઠો મળ્યા પછીય કાં તૂટી જવાય છે?
એની સમજ ક્યાં હોય છે જળના તરંગમાં!

માથે નિરાંત માણતા માણસને શું ખબર,
પોઢી ગયા છે કેટલા ટહુકા પલંગમાં!

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,
પોતીકી પાંખ ક્યાં હતી નહિ તો પતંગમાં!

ભીતર ભર્યા પોલાણનો પરિચય થયો નહીં,
માહેર હતો હું કેટલો નહિતર મૃદંગમાં!

– હરજીવન દાફડા

લયસ્તરો પર કવિના નવ્ય ગઝલસંગ્રહ ‘સહેજ પોતાની તરફ’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક નખશિખ સંતર્પક રચના આપ સહુ માટે…

Comments (7)

અમે – હરજીવન દાફડા

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.

છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.

– હરજીવન દાફડા

પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !

Comments (19)

કેમ સમજાયો ! – હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?

Comments (12)

હું અને મારી ગઝલ – હરજીવન દાફડા

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

– હરજીવન દાફડા

અંત:કરણની વાત, અને એય ટૂંકાણમાં, કહેવાનું મન થયું ત્યારે રચાઈ તે ગઝલ .. કેવી સરસ વાત ! જ્યારે ગઝલ પ્રગટે છે ત્યારે જ કવિનો પણ જન્મ થાય છે – એ વિચારે ‘હું અને મારી ગઝલ’ વધુ અર્થસભર બને છે.

Comments (10)

નીકળવું છે -હરજીવન દાફડા

વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

– હરજીવન દાફડા

(સંપૂર્ણ ગઝલ માટે આભાર, નીરજ મહેતા અને જનક દેસાઈ. નીચે કોમેંટ જુઓ.)

Comments (11)