કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
અમૃત ‘ઘાયલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કુસુમાગ્રજ

કુસુમાગ્રજ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)

આનંદલોક – કુસુમાગ્રજ

મારા આનંદલોકમાં
ચંદ્ર આથમતો નથી
દરિયો અતળ પ્રેમનો
કદી વાવાઝોડાતો નથી

મારા આનંદલોકમાં
કર્યું વસંતે ઘર
આંબે આંબે ડાળીઓ પર
ફૂટે કોકિલના સ્વર.

સાત રંગોની મહેફિલ
વહે અહીં હવા
અહીં મરણ પણ નાચે
મોરપિચ્છકલાપ લઈને.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

દુ:ખને સંઘરવા માટે એક ખૂણો જોઈએ, જ્યારે આનંદને માટે તો આખુ જગત – આનંદલોક – જોઈએ. કવિએ મારા આનંદલોકની વાત કરી છે – પોતાના અંગર આનંદલોકની. દરેકે પોતાનું આનંદલોક રચવાનું હોય છે. એવું આનંદલોક કે જેમાં મૃત્યુ પણ એક ઓચ્છવ બનીને આવે !

Comments (9)

સંવાદ – કુસુમાગ્રજ

તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.

– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)

પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.

જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?

Comments (4)

તો પણ – કુસુમાગ્રજ

સો સો સ્મિતોના
આગળિયા તને
                        વાસ્યા તો પણ

આંખની કટારના
કઠોર પહેરા 
                        રાખ્યા તો પણ

ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ 
                        બાંધ્યા તો પણ

ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી 
                        ભરી તો પણ

તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ 
                        તોડી નાખીશ ?

લલાટનો લેખ
વિનાશ થવાનો : 
                        ભૂંસી નાખીશ ?

– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)

કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી…  જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે  આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.

Comments (7)

નિરાંત – કુસુમાગ્રજ

જયંતીની
    પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
    પૂતળાએ
    ખંખેરી નાખ્યા
    શરીર પર ભેગા થયેલા
    અસંખ્ય નમસ્કાર 
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
    આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.

– કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

હમણા જ ગાંધી-જયંતી ગઈ છે. ગાંધીને ભૂલવાની મોસમ આવતા વર્ષ સુધી રહેશે. આપણા ઠાલા નમસ્કાર કરતા ગાંધી કાગડાની ‘કંપની’ પંસદ કરે એમા કોઈ શંકા નથી. કુસુમાગ્રજનું આ જ વિષય પરનું બીજું આટલું જ ધારદાર કાવ્ય પણ જોશો.

Comments (5)

ચંદ્ર – કુસુમાગ્રજ

એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.

– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)

Comments (1)

આખરની કમાઈ – કુસુમાગ્રજ (અનુ.જયા મહેતા)

મધરાત વિત્યા પછી
શહેરનાં પાંચ પૂતળાં
એક ચોરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં.

જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો.
શિવાજીરાવ બોલ્યા,
હું ફક્ત મરાઠાનો.
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો.
ટિળક ઉદગાર્યા,
હું ફક્ત ચિત્પાવન બ્રાહ્મણોનો.
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો !

-કુસુમાગ્રજ
(અનુ. – જયા મહેતા)

આ કાવ્ય વાંચીને દિલમાંથી ચીસ નીકળી જાય છે. હકીકત એ છે કે સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ. એજ રીતે ગાંધીજીને અનુસરવા માટે નક્કર આદર્શોવાળી પ્રજા જોઈએ. આપણું એ ગજુ નથી. કોઈ બીજા પર આક્ષેપ નથી, પહેલી આંગળી પોતાની તરફ જ છે. જગતને સુધારવાની ગાંધીજીએ બતાવેલી રીત પોતાની જાતને સુધારવાની હતી. આ રીતથી વધારે સચોટ અને વધારે કઠીન રીત બીજી કોઈ નથી. આ બધા વિચારો એકાદ પળ માટે રહે છે અને પછી પાછા આપણે જેવા હતા એવાને એવા જ ! એટલે જ તો કહ્યું છે,

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.
(મરીઝ)

Comments (3)