હાઈકુ – સ્નેહરશ્મિ
ઊડી ગયું કો
પંખી કૂંજતું : રવ
હજીયે નભે
- સ્નેહરશ્મિ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
સ્નેહરશ્મિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
અર્ઘ્ય- સ્નેહરશ્મિદિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !
ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !
પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !
ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !
- ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
‘લયસ્તરો’ના સમસ્ત વાચકગણને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !
ત્રણ અંતરામાં કવિએ જે વાત કરી છે એ નવા વર્ષના દહાડે ગુંઠે બાંધી રાખવા જેવી છે. રસ્તો ગમે તેવો વાંકો-ચૂકો કે કઠિન કેમ ન હોય, સહુ સાથે મળીને એને ખેડીને સરળ બનાવીએ. દિશા-સ્થળ અને કાળના કાંટાળા થોર ઉખેડી ફેંકી વિશ્વમાનવ બનીએ. ગઈકાલ અને આવતીકાલના ગોફણમાં સૂર્ય-ચંદ્રને ઊડાવી દઈને બ્રહ્મનું નિશાન તાકીએ…
ત્યજીને ખોળો કો ગિરિવરતણો ને વન વનો-
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા,
ગજાવીને દોડે કો તરલ મીઠી કન્યાસમ અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે, ગૌરવભરી
મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો – કિન્તુ ઉછળી
પછી રે’તી તે જ્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,
પ્રભો ! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના વા ખડક પે
મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ ત્યાં
લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું – ઉદધિનાં ?
-સ્નેહરશ્મિ
પહાડનો ખોળો ત્યજીને અને વનોના ગીતોના પડઘા પોતાની લહેરોમાં ઝીલતી ઝીલતી નદી કદી ચંચળ કન્યાસમી ઊંચા કપરા ખડકોને ગજવતી તો કદી ગૌરવવંતી મહારાણી જેવી બંને કાંઠા છલકાવતી વહે છે અને સાગર નજીક આવતાં પહેલાં તો ઘુઘવાટા સાંભળી ચમકે છે પણ પછી ગહનમાં ભળી જવાના સપનાંનું સાફલ્યપણું નજરે ચડતા ઉછળીને દોડે છે એમ જ આ જીવનની નદી પણ કદી સરળ તો કદી કષ્ટપૂર્ણરીતે, કદી પરમ સુખના કોતરોમાં તો કદી મહાદુઃખના ખડકો વચ્ચે ફુદરડી ફરતી વહેતી રહે છે. કાળનો ગહન નાદ સંભળાય ત્યારે આઘાતથી ચમકે છે કે શું આ જીવનનદીના ભાગ્યમાં ઈશ્વરરૂપી સાગરના મિલનના સ્વપ્નનું સાફલ્ય લખાયું નથી?
આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?
આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?
આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?
આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?
આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?
- સ્નેહરશ્મિ
બકતી હોડ
કલગી કૂકડાની
ઉષાની સામે
*
વાટ ભૂલ્યાની
ચમકી આંખ – દૂર
ભાંભરી ગાય.
*
આંગણે ભૂખી
અનાથ બાળા : દાણા
ચકલી ચણે
*
પોયણી વચ્ચે
તરે હંસલો : ચન્દ્ર
ચઢ્યો હિલ્લોળે.
***
ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે
- સ્નેહરશ્મિ
(શિખરિણી)
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહ્ લાદ ભરતે.
કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.
પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
- મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા !
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !
- સ્નેહરશ્મિ
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં.
વ્હેરાય થડ :
ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં.
હિમશિખરે
ગયો હંસલો વેરી
પીંછાં રંગીન.
દેવદર્શને
ગયો મંદિરે : જુએ
વેણીનાં ફૂલ !
- સ્નેહરશ્મિ
17 અક્ષરની નાનીશી રત્નકણિકા સમાન આ હાઈકુઓ અર્થવૈભવમાં પાછા પડતા નથી. દરેક હાઈકુ આગવુ અને અસરકારક શબ્દચિત્ર રચી આપે છે.