ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સાબિર વટવા

સાબિર વટવા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિદાયઘડી – સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !

આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !

– સાબિર વટવા

જરા રોકાઈ જવા જેવી ગઝલ…

Comments (4)

પડી છે – ‘સાબિર’ વટવા

લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.

ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.

હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.

ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.

– ‘સાબિર’ વટવા

Comments (2)

ઝાંઝવાઓની યુક્તિ -‘સાબિર’ વટવા

પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

-‘સાબિર’ વટવા
(“ધ્રૂજતી પ્યાલી”)

Comments