પથપ્રવર્તક કાવ્યો: ૦૭ : સારે જહાં સે અચ્છા – અલ્લામા ઇકબાલ
सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हम बुलबुलें हैं इस की ये गुलसिताँ हमारा
ग़ुर्बत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
(गुर्बत = પરદેશ,ઉદાસી)
पर्बत वो सब से ऊँचा हम-साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा
गोदी में खेलती हैं इस की हज़ारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क-ए-जिनाँ हमारा
( रश्क-ए-जिनाँ = સ્વર્ગને પણ ઈર્ષ્યા થાય તેવું)
ऐ आब-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
(आब-रूद-ए-गंगा=ગંગાનો પ્રવાહ)
मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दोस्ताँ हमारा
यूनान ओ मिस्र ओ रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
(दौर-ए-ज़माँ=કાળનું ચક્ર)
‘इक़बाल’ कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा
(महरम=વર્જિત, બીજો અર્થ:ભરોસાપાત્ર વ્યક્તિ;. दर्द-ए-निहाँ=છૂપું દર્દ)
-अल्लामा इक़बाल
પ્રસ્તુત શ્રેણીમાં આપણે આઝાદીના જંગ સાથે જોડાયેલી બે યુગપ્રવર્તક રચનાઓ માણી – વંદે માતરમ્ અને સરફરોશી કી તમન્ના – કે જે બંને એક પ્રકારનો યુદ્ધઘોષ બની ગઈ હતી. આજની રચના એ કોઈ યુદ્ધઘોષ નથી,કોઈ ક્રાંતિકારીની ત્રાડ નથી….આ એક કોમળ સુમધુર તરાના છે જેને “તરાના-એ-હિંદ” નામ હેઠળ પાકિસ્તાનના રાષ્ટ્રકવિ ઈકબાલે ગાયું હતું…
પ્રથમ આ હ્રદયસ્પર્શી નાજુક ગઝલ વિશે વાત કરીએ – આ ગઝલને કોઈ અનુવાદ અથવા ટિપ્પણીની જરૂર જ નથી-આ તો દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસેલી છે. “મજહબ નહીં સિખાતા…” શેર તો યાવત્ચંદ્રદિવાકરૌ અમર છે. “ગુર્બત મેં હો અગર હમ….” શેર પણ એ જ કક્ષાનો છે. સમગ્ર ગઝલ જ હ્રદયની વાણી છે.
આ ગઝલ સૌપ્રથમ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ “ઈત્તેહાદ” નામક સાપ્તાહિકમાં પ્રગટ થઈ. અલ્લામાએ મૂળે આ બાળકોને માટે રચેલી. તેઓએ પોતે જ ૧૯૦૫ માં લાહોર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવચનના સ્થાને માત્ર ગઝલ સંભળાવી. સમય બંગભંગ ચળવળનો હતો – સમગ્ર અખંડ ભારતે તેને વધાવી લીધી. બાપુને તો એ એટલી ગમી ગઈ કે તેમણે ૧૯૩૦ યરવાડા જેલમાં ૧૦૦થી વધુ વખત ગાઈ ! ત્યાર બાદ પંડિત રવિશંકરે આશરે ૧૯૪૫ આસપાસ તેને સંગીતબદ્ધ કરી. હાલ પણ આ રચના ભારતીય સૈન્યની ક્વિક માર્ચની ધૂન છે.
Yuval Noah Harari એ લખ્યું છે તેમ તમામ સંસ્કૃતિઓ/સભ્યતાઓ પોતાની સંસ્કૃતિ/સભ્યતાને શ્રેષ્ઠ અને સૌથી પુરાતન માને છે. તે જ સંવેદના આ ગઝલમાં અભિપ્રેત છે. પરંતુ અંગત રીતે મને આ ગઝલ વારંવાર વાંચતા આખી ગઝલમાં એક unmistakable ગર્ભિત વિષાદનો ભાવ અનુભવાય છે-કદાચ હું ખોટો પણ હોઉં. એક શક્યતા એ પણ ખરી કે જે તે સમયની માભોમની બદહાલીને લીધે આ ભાવ હોઈ શકે. જે પણ હોય – સમગ્ર રચના કાવ્યદ્રષ્ટિએ તમામ રીતે ઉત્કૃષ્ટ છે એમાં બેમત નથી. લોકહ્રદયે બિરાજે તે જ ઉત્તમ સાહિત્ય !!
હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.
મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો. ૧૯૩૦ના મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓનું અતિપ્રખ્યાત વ્યાખ્યાન કે જેમાં તેઓ ધર્મ આધારિત અલગ રાષ્ટ્રની રચનાના ખ્યાલનો મજબૂત પાયો નાંખે છે અને મુસ્લિમ લીગ તેને પૂરા ઉત્સાહથી વધાવી લે છે. અલ્લામા પાકિસ્તાનના “વૈચારિક પિતા” કહેવાય છે. મોપિલાહ હિંદુ જિનોસાઈડ અને “રંગીલા રસૂલ” પ્રકરણમાં પણ તેઓની ધાર્મિક કટ્ટરતા સમગ્ર દેશ જૂએ છે. ૧૯૩૮માં તેઓના અવસાન સુધી તેઓ કટ્ટરવાદનું સતત સમર્થન કરતા રહે છે અને અખંડ ભારતના ખ્યાલનો ઉઘાડો ઉપહાસ કરે છે. તેઓ મુસ્લિમ લીગની મિટિંગમાં ગાંધીજીને “અત્યંત ચાલાક અને ખતરનાક ચુસ્ત હિંદુ” તરીકે વર્ણવતા અને ગાંધીજીને સતત ગહેરા સંશયની દ્રષ્ટિએ જોતા પરંતુ જાહેરમાં કદી એ વિશે કંઈ બોલ્યા નથી.
આપણું ખૂબ જ પ્રિય પાત્ર અચાનક જ આપણી ધારણા કરતાં તદ્દન વિરુદ્ધ વર્તન અખત્યાર કરે ત્યારે આપણને જેવો ઊંડો આઘાત લાગે તેવો મને આ બાબતે સતત લાગતો આવ્યો છે. ખૂબ જ દુઃખ થાય કે અલ્લામા આવું કઈ રીતે કરી જ શકે……
આ દુખદ પરિવર્તનને નજરઅંદાજ કરીએ તો અલ્લામાની પ્રતિભા અને અવિસ્મરણીય વારસા માટે તેમને દિલથી સલામ છે….તેઓની અતિપ્રસિદ્ધ બે નઝમો – “ शिकवा “ અને “ जवाब-ए-शिकवा “ ઈસ્લામિક ટ્રેડિશનમાં એક અદભૂત બેન્ચમાર્ક છે – નુસરતસાહેબે આ બંને જબરદસ્ત લાક્ષણિક અંદાજમાં ગાઈ છે….હિંદુસ્તાન જ્યાં સુધી છે ત્યાં સુધી “સારે જહાં સે અચ્છા….” ગઝલ ગુંજતી જ રહેવાની છે….



Nirja parekh said,
December 15, 2025 @ 1:01 PM
આ ઐતિહાસિક ગઝલનું અદ્નુત રસપાન કરાવ્યું તીર્થેશ ભાઈ એ..વર્ષોથી ગાતાં હતાં પણ આજે આખો અને સાચો અર્થ સમજાયો. દિલથી આભાર.
જય હિન્દ
નીરજા
વિવેક said,
December 15, 2025 @ 7:06 PM
આ કવિતા ક્યાં છે, આ તો ભારત દેશ અને ભારતીયોની રગોમાં દાયકાઓથી રુધિર બનીને વહી રહેલ ચમત્કાર છે… તીર્થેશે બહુ સ-રસ માહિતી પૂરી પાડી… કવિ વિશેની કેટલીક વાતો તો ચોંકાવનારી…
આનંદ
Kishor Ahya said,
December 15, 2025 @ 7:17 PM
સારે જહાં સે અચ્છા – અલ્લામા ઇકબાલ ની રચનાનો ડૉ.શ્રી તીર્થેશભાઈ એ ખૂબ સરસ આસ્વાદ આપ્યો, અને આસ્વાદમાં પોતાના હદયની વેદના પણ વ્યક્ત કરી.
“હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.
મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો.”
મને પણ સમજાયું નહી, તેથી આ કારણો શા હતા તે શોધવા A I નો સહારો લીધો તો શ્રી કવિ શ્રી ઇકબાલનું મન કેમ બદલાયું તેના કેટલાક તેઓએ ધારી લીધેલા, મનસ્વી કારણો જાણવા મળે છે! ખેર, જો હોના હે, વો હોકે રહેતા હૈ .. સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તા હમારા..હમારા… સારે જહાં સે અચ્છા –
🌹🌹🌹🌹