થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.
– મુકુલ ચોક્સી

(આજ મારાં નેણાં રે) – નરસિંહ મહેતા

આજ મારાં નેણાં રે સફળ થયાં, નાથ જોયા મેં નીરખી. (ટેક)
સુંદર વન નિહાળતાં, મારા હૃદયામાં હરખી. આજ૦

જે મારા મનમાં હતું, તે મારે વા’લેજીએ કીધું;
પ્રેમેથી પિયુજી પધાર્યા, આલિંગન દીધું. આજ૦

જોગી રે જંગમ રે સેવડા, તેના સ્વપ્નામાં ના આવે;
ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે. આજ૦

ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. આજ૦

અંતરિક્ષથી દેવતા, સહુ ત્યાં જોવાને આવે;
થાળ ભર્યો સગ મોતીએ, નાગર નરસિંહ વધાવે. આજ૦

– નરસિંહ મહેતા

ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-

જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ

જોગી જંગમ સેવડા ઔર સંન્યાસી દરવેશ,
બીના પ્રેમ પહુચે નહી દુર્લભ સતગુરૂ કા દેશ..
– સંત કબીર

(જંગમ= એક જાતનો ફકીર, શૈવ પંથી; સેવડા= જૈન સાધુ)

* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

11 Comments »

  1. નેહા said,

    November 27, 2025 @ 11:41 AM

    વાહ રે નરસૈયો..

    ધન્ય હે ધન્ય નરસિંહ નર ધન્ય તેં
    ધન્ય ગુજરાતની ભોમ કીધી !

  2. પૂજ્ય બાપુ said,

    November 27, 2025 @ 11:50 AM

    જય હો…

    મોજે મોજ

  3. Uma Sharad Doshi said,

    November 27, 2025 @ 1:25 PM

    ભક્તિ રસ તરબોળ

  4. Dr. Vrajlal Savaliya said,

    November 27, 2025 @ 1:46 PM

    વાહ ભક્ત કવિ નરસિંહ.

  5. Aarti Antrolia said,

    November 27, 2025 @ 5:31 PM

    નરસિંહ મહેતાનું જીવન એટલે……હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને…

  6. Poonam said,

    November 27, 2025 @ 5:45 PM

    ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
    ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. Aaha !
    – નરસિંહ મહેતા –

    Aaswad SaRus !

  7. જયેશ ભટ્ટ said,

    November 29, 2025 @ 11:16 AM

    વાહ

  8. જયેશ ભટ્ટ said,

    November 29, 2025 @ 11:17 AM

    વાહ ,સુંદર આસ્વાદ

  9. વ્રજેશ said,

    November 29, 2025 @ 12:57 PM

    મજા આવી

  10. Kishor Ahya said,

    November 29, 2025 @ 7:29 PM

    ભક્ત કવિ નરસિંહ મેહતાએ બ્રહ્માંડ અને નિરાકાર ઈશ્વર વિશે સુંદર પદો આપ્યા છે. …

    જાગીને જોઉં તો જગત દીસે નહીં.

    નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તેજ હું તેજ હું…

    જ્યારે અસંખ્ય પદો આકાર ભાવ ધરાવતા ભગવાન શ્રી કૃષ્ણ પર રચેલા છે. . …
    પ્રથમ દૃષ્ટિએ આકાર /નિરાકાર એકીસાથે હોવુ આશ્ચર્ય નથી?

    જો ઈશ્વરનું સ્વરૂપ નિરાકાર હોય તો આકાર સ્વરૂપની ભક્તિ, ગુણગાન શા માટે? આપણે મોટા ભાગે બધા જાણીએ છીએ કે મૂર્તિસ્વરૂપ મનુષ્યનુંજ બનાવેલું છે ,તેમ છતાં જાણે સ્વયં ભગવાન ઉતરી આવ્યાહોય તેવી શ્રદ્ધા સાથે મનુષ્ય ભક્તિમય થઈ જાય છે. આ ખુબજ આશ્ચર્યજનક્ છે, પણ સત્ય હકીકત એ છે કે બધું માનવા ઉપર છે.

    મનુષ્ય શું માને છે? જેવી માન્યતા હોય એ દરેક સાચું. આ જગતની દરેક વાત મનુષ્ય માનતો હોય તેટલી તેમને લાગુ પડે. જે ન માનતા હોય તેને કોઈ લેવા દેવા નહીં. દાખલા તરીકે જ્યોતિષમાં માનનારા ને જ્યોતિષ હોય તેવું લાગુ પડે, ન માનનારા ને કશું લાગે વળગે નહી! આ એક રહસ્યમય દુનિયા છે ,જ્યાં સત્ય શું છે તેનું મહત્વ નથી પણ તમે કોને સત્ય માનો છો તેનું મહત્વ છે! કોઈ તો ત્યાં સુધી વાત ને લઈ જાય છે કે જે મનુષ્ય પૂન:જન્મમાં માનતો હોય તેના માટે પુન:જન્મ ઉપલબ્ધ છે પણ પુન:જન્મમાં નથી માનતા ત્યાં પુન: જન્મ જેવુ કદાચ ન પણ હોય! મનુષ્યની આ આખરી પરમ સ્વતંતતા છે કે તેમણે આસ્તિક થવું કે નાસ્તિક. આસ્તિક માટે ઈશ્વર છે !અને મનુષ્યને સાંભળે પણ છે !, જ્યારે નાસ્તિક માટે કોઈ ઈશ્વર નથી ,પણ સત્ય એ છે કે ખુદ ઇશ્વરને પણ ખબર નહી હોય કે તે છે કે નહી ! અસ્તિત્વ તટસ્થ છે અને હોય તો પણ તેને પોતાના હોવાપણાની કોઈ ખબર નહી હોય !

    આમ આકાર સ્વરૂપે ભગવાન કે નિરાકાર સ્વરૂપે ભગવાન એ મનુષ્યની માન્યતા માત્ર છે. મનુષ્ય આકાર સ્વરૂપ થકી નીરાકાર પરમાત્મા ને ભજે છે. શ્રી કૃષ્ણ એ અર્જુન ને યુદ્ધ વખતે આપેલું જ્ઞાન, (ગીતા ઉપદેશ) વાચતા જ શ્રી કૃષ્ણ ભગવાનના નિરાકાર અવતાર હોવાની પ્રતીતિ થાય છે. સ્વરૂપ આકારનું છે પણ અંદરનું સ્વરૂપ નિરાકાર છે. એટલેજ તેઓ’હું’ અથવા ‘મને’ જેવા શબ્દ ગીતા ઉપદેશમાં પ્રયોજી શક્યા છે. આપણે સાધારણતા નરી આંખે ન દેખી શકાય તેને નિરાકાર કહીએ છીએ વાસ્તવમાં નિરાકારનો અર્થ કોઇપણ સ્વરૂપે હોય જ નહી તે નિરાકાર છે.

    ભક્તિ માર્ગ એટલે ફ્કત આકાર સ્વરૂપપને ભજવું એવો સાંકડો અર્થ થતો નથી પણ નિરાકાર સ્વરૂપ પણ ભક્તિમાર્ગનો એક પ્રકાર જ છે.

    બહુ ઓછા લોકો જાણતા હશે કે મલ્હાર રાગ ગાનાર સાવિત્રી (તાના)અને સંધ્યા (રિરિ) નામના બે બહેનોના ગ્રાન્ડ દાદિમાં શtર્મિષ્ઠાબેન(વડનગર) તે કુવરબાઈ ના પુત્રી થાય.( કુંવરબાઈ નરસિંહ મહેતાના પુત્રી થાય) આજે પણ તાના- રિરીની
    સ્મૃતિમાં દર વર્ષે સંગીત સભા નું આયોજન થાય છે.

    નરસિંહ મહેતાના પુત્ર શામળદાસ અને તેમના ધર્મ પત્ની ટૂંકું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયા. (તેમને સંતાન ન હતા).આમ ભક્ત નરસિંહ મહેતાનો વંશ અહીં પૂરો થાય છે.

    પંદરમી સદીમાં થઈ ગયેલા ભક્ત શ્રી નરસિંહ મહેતા એ રચેલ પદ વૈષ્ણવજનન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે.. હરી નો મારાં છે સુરાનો નહી કાયરનું કામ જોને ..હરિનો માર્ગ એટલે સત્યનો મારગ! સત્યના માર્ગે સુરવીર જ ચાલી શકે. સત્યના માર્ગે ચાલતા અનેક મુશ્કેલીઓ આવે છે જુઓ, નરસિંહ મહેતાને નાત બહાર મૂકી દીધા! જેવા ભજન, તેવું જ તેમનું જીવન. તેઓ ગુજરાતીભાષાના પ્રથમ કવિ, એટલે આદિ કવિ કહેવાય છે. કેદાર રાગ તેમનો પ્રિય રાગ. કૃષ્ણભગવાન તેઓને આત્મસાત હતા. આજે પણ લોકો ભક્ત શ્રી નરસિંહ મેહતાના સુંદર બાનીમાં આલેખાયેલ ભજનો હોશે હોશે ગાય છે.અને ભક્તિનો આનંદ માણે છે .
    ‘આજ મારા નેણાં રે’ માં નરસિંહ મેહતા ગાય છે..

    “ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
    ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. આજ૦”

    વાહ! તમને પણ ધન્ય ધન્ય ભગત! અવતાર સફળ કર્યો ને મનુષ્યને ખૂબ ભક્તિ રસ પીવડાવ્યો. ખૂબ ખૂબ ધન્ય ધન્ય!

    ‘આજ મારા નેણાં રે’ ખૂબ સુંદર પદ છે, ખૂબ ગમ્યું. આસ્વાદ પણ મજાનો છે.

    🌹🌹🌹🌹

  11. વિવેક said,

    November 30, 2025 @ 11:04 AM

    પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો આભાર

    @કિશોર આહ્યા:
    ખૂબ મજાનો સવિસ્તાર આસ્વાદ…

    “જ્યોતિષમાં માનનારા ને જ્યોતિષ હોય તેવું લાગુ પડે, ન માનનારા ને કશું લાગે વળગે નહી! આ એક રહસ્યમય દુનિયા છે ,જ્યાં સત્ય શું છે તેનું મહત્વ નથી પણ તમે કોને સત્ય માનો છો તેનું મહત્વ છે!” – વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment