શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અનુ.: વિવેક મનહર ટેલર)
સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,
– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)
કેટલાક લોકોને દરેક વાતમાં અને વાતે વાતે વાંકું પડતું હોય છે. દુર્ભાવ જ એમનો ખરો સ્વ-ભાવ! આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે. પ્રસ્તુત રચનામાં હળવા વ્યંગ અને બાળસહજ સરળતાથી આવા ફરિયાદશંકરોની ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ આલેખવામાં આવી છે. કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં ક્લિક કરીને મારા ફેસબુક પેજ પર માણી શકો છો.
Mr. Grumpledump’s Song
Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!
– Shel Silverstein


Kishor Ahya said,
November 15, 2025 @ 8:47 PM
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,
શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અનુ.: વિવેક મનહર ટેલર)
શ્રી વિવેકભાઈએ કાવ્યનો સરસ અનુવાદ કરી સરસ આસ્વાદ સાથે ફેસબુક પેજ પર ખુબજ સરસ વિશદ આસ્વાદ આપ્યો છે, ખૂબ મજાનું કાવ્ય છે, કાવ્ય પસંદગી આસ્વાદ અને વિશદ આસ્વાદ માટે ખુબ ખૂબ આભાર ને અભિનંદન.
કાવ્ય વાચતા આપણી જાણીતી કવિ શ્રી દલપતરાયની ગુજરાતી કવિતા “વાંકા અંગ વાળા ભુંડા” યાદ આવી,પણ કવિ શ્રી શેલ સિલ્વરસ્ટીને અહીં પ્રાણીઓની કોઈ વાત કરી નથી, અલબત મનુષ્યની ખુશી અંગે લાલબત્તી જરૂર બતાવી છે. સમગ્ર કાવ્યમાં આ છેલ્લી પંક્તિઓ કોઈ વિશેષ અર્થ વાળી લાગે છે.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,
મનુષ્યના જીવનમાં દેખાય છે તેટલી ખુશી હકીકતે હોતી નથી ખુશીના ગીતો માત્ર બાહ્ય દેખાવ છે. ગુજરાતીમાં કહેવત છે ચાવવાના જુદા, દેખાડવાના જુદા. મનુષ્યનું જીવન એક ઝૂઠ્ઠી કથા જેવું બની ગયું છે, મુખોટાની ભરમાર, ખુશીના ગવાતા ગીતો પણ એક અભિનય( ધોકો ) હોય તેમ કવિને લાગ્યા કરે છે કેમકે લોકો હદથી વધારે ખુશી દેખાડી રહ્યા છે! અહીં જીવનમાં માત્ર દુઃખ અને દુઃખ છે !અહીંનું જીવન જોતા મનુષ્યને ખુશી થવી લગભગ અશક્ય છે, કવિ જાણે છે કે લોકોના હસતા ચહેરાની અંદર દુખને સંતાડી રાખેલુ છે, એટલેજ કવિ કહે છે અહીં બધું ખોટું જ છે.
કાવ્યમાં કવિ સમગ્ર અતિની ટીકા કરે છે.ખૂબ લાંબા દિવસો, જોરદાર પવન, અતિ ગરમી, ચમકતા તારા અને ઊંચે ઊંચે દેખાતો ચાંદ, ભારે ભારે પથરા ને ખૂબ હલકા પીછા, ઘોંઘાટી બાળકો, તંગ પગરખાં અને હદથી વધારે ખુશી દેખાડતા લોકો. કવિ કહે છે આ બધું ખોટુજ છે. (સઘળું છે ખોટું જ અહીં તો) એકધારી વહેતી કાવ્ય ની લય ખૂબ મજાની છે.
એક મજાક યાદ આવી, વાત સાચી હોય કે ખોટી પણ હમેશા ટીકા કરતા રહેવું. થોડા સમયમાં વિદ્વાન હોવાની છાપ થઈ જશે!
ના, ના, કવિને આવુ કઈ નથી સૂઝ્યું !
આતો જીવનનું સત્ય દર્શાવતું સુંદર કાવ્ય છે.
🌹🌹🌹🌹
વિવેક said,
November 16, 2025 @ 11:18 AM
@ કિશોર આહ્યા…
સરસ મજાનો સવિસ્તર પ્રતિભાવ પાઠવવા બદલા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
આપો બધાં જ કાવ્યો પર સરસ ટિપ્પણી કરો છો. હું દરેક ટિપ્પણી ધ્યાનપૂર્વક આનંદથી વાંચું છું, પણ દરેક ટિપ્પણીનો પ્રત્યુત્તર વાળી શકતો નથી એ બદલ દિલગીર છું…
Kishor Ahya said,
November 16, 2025 @ 4:03 PM
માનનીય શ્રી વિવેકભાઈ,
સતત વ્યસ્તતા વચ્ચે આપ બ્લોગ માટે સમય આપો છો એ જ આપનું સાહિત્ય પ્રત્યેનું સમર્પણ..
આપના થકી ગુજરાતી સાહિત્ય ઉજળું થયું છે, થઈ રહ્યું છે. લયસ્તરોનો આ કિંમતી ખજાનો આવનારી પેઢીઓનો સુંદર વારસો બની રહેવનો છે એ નિશ્ચિત છે,એનો આનંદ છે.
આપ જે રીતે આસ્વાદ આપો છો, વાંચનાર કવિતા પ્રેમી બની જાય છે ,આસ્વાદને કારણે કવિતા ગઝલ સમજવી સહેલી બને છે. ઘણા બધા કવિઓ માટે લયસ્તરો આજે પોતાની રચનાઓને દિશા આપવાનું માધ્યમ બન્યું છે, એ લયસ્તરો અને તેમાં ભાગ લેનાર સૌ કોઈ માટે ગૌરવની વાત છે. આપના પ્રત્યુતર અને લાગણી બદલ ખૂબ ખૂબ આભાર, વિવેકભાઈ.
🌹🌹🌹🌹
વિવેક મનહર ટેલર said,
November 16, 2025 @ 5:09 PM
@કિશોર આહ્યા:
આપના સદભાવ અને સ્નેહ બદલ ઓશિંગણ છું…