એક સાંજે – અનિલ જોશી
મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.
– અનિલ જોશી
શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…


gaurang thaker said,
January 10, 2026 @ 1:27 PM
વાહ વાહ… ખૂબ જ સરસ કાવ્ય ને આસ્વાદ
gaurang thaker said,
January 10, 2026 @ 1:29 PM
વાહ વાહ.. ખૂબ સરસ કવિતા ને આસ્વાદ…
DILIPKUMAR CHAVDA said,
January 10, 2026 @ 3:34 PM
વાહ વાહ વાહ ને વાહ
અતિશય સુંદર
Harihar Shukla said,
January 10, 2026 @ 4:02 PM
ખરું અછાંદસ કાવ્ય અને એનો ખરેખરો આસ્વાદ. મોજ!👌
Nirali Shah said,
January 10, 2026 @ 6:26 PM
ખૂબ સરસ
હર્ષદ દવે said,
January 11, 2026 @ 5:35 PM
સામાન્ય રીતે ગીતકવિ તરીકે જાણીતા અનિલ જોષીના અછાંદસ કાવ્યો પણ માણવા જેવા હોય છે. પ્રસ્તુત કાવ્યના પ્રતીકોને ખોલી સરસ આસ્વાદ કરાવ્યો એ માટે આપને પણ અભિનંદન.
હર્ષદ દવે said,
January 11, 2026 @ 5:40 PM
સામાન્ય રીતે ગીતકવિ તરીકે જાણીતા અનિલ જોષીના અછાંદસ કાવ્યો પણ માણવા જેવા હોય છે. પ્રસ્તુત કવિતાના પ્રતીકોને ખોલી સરસ આસ્વાદ કરાવ્યો એ માટે આપને પણ અભિનંદન.