છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.
વંચિત કુકમાવાલા

ભૂરાં પતંગિયાં – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયાં નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ

આમ તો આ કવિતા લયસ્તરો પર આગળ પણ મૂકી હતી પણ આટલા વરસોમાં લયસ્તરોના વાચકવૃંદમાં ખાસો વધારો થયો હોવાથી આજે ઉત્તરાયણ નિમિત્તે આ કવિતા અહીં ફરી રજૂ કરીએ છીએ. અખિલ શાહના છદ્મનામે લખાયેલી આ કવિતાના મૂળ સર્જક છે લયસ્તરોના સ્થાપક અને સહસંપાદક ડૉ ધવલ શાહ પોતે. ગુજરાતી ભાષાના ઉત્તમ અછાંદસ કાવ્યોની પંગતમાં ગર્વભેર બેસી શકે એવી આ રચના વાંચતાં આપની આંખના ખૂણા ભીના ન થાય તો કહેજો…

આ કવિતા વિશે ધવલના પોતાના શબ્દો: “જે વાત કહેવામાં શબ્દો અને આંસુ નિષ્ફળ જાય તે વાત કહેવામાં કોઈ વાર પતંગ કામ લાગી જાય છે. નાના હાથ માટે આકાશને અડકી લેવાનો એક જ રસ્તો છે – પતંગ !”

15 Comments »

  1. હરીશ દાસાણી. said,

    January 14, 2022 @ 5:00 PM

    કલાત્મક સંયમપૂર્વક સંવેદનાઓ આ રીતે રજૂ થાય ત્યારે તે યાદગાર બને છે.

  2. pragnajuvyas said,

    January 14, 2022 @ 8:16 PM

    કવિશ્રી અખિલ શાહનુ સુંદર અછાંદસ
    ડૉ ધવલ શાહ ાને ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ

  3. જયેન્દ્ર ઠાકર said,

    January 14, 2022 @ 11:42 PM

    એક બાળકની વિચારધારાનું સરસ આકલેખન!

  4. Makarand Musale said,

    January 15, 2022 @ 11:36 AM

    સૂક્ષ્મ સંવેદન આબાદ ઝીલાયું અને પહોંચ્યું પણ

  5. Aasifkhan said,

    January 15, 2022 @ 11:44 AM

    વાબ વાહ ને વાહ

  6. Hemanshu said,

    January 15, 2022 @ 11:46 AM

    Just beautiful and toching

  7. સુષમ પોળ said,

    January 15, 2022 @ 12:13 PM

    વાહ,પતંગના માધ્યમ દ્વારા, પપ્પા પ્રત્યેની હરિયાની સંવેદનાને ખૂબ સરસ રીતે અભિવ્યક્ત કરતી અતિ સુંદર અછાંદસ રચના

  8. Guman said,

    January 15, 2022 @ 1:15 PM

    Wah

  9. Hiren Premchand Vaidya said,

    January 15, 2022 @ 1:17 PM

    અદ્ભૂત..

  10. Harihar Shukla said,

    January 15, 2022 @ 4:45 PM

    બચેલી દોરી અને ગણગણાટ દિલાસાનો👌

  11. મુકુલ ચોકસી said,

    January 15, 2022 @ 7:14 PM

    અત્યંત ભાવવાહી રચના .

  12. Chitralekha Majmudar said,

    January 15, 2022 @ 7:24 PM

    Very touching, sensitive, emotional, well expressed. Thanks for the same.

  13. Nehal said,

    January 16, 2022 @ 10:54 AM

    સંયમીત રીતે, સરળ શબ્દોમાં લખાયેલી ખૂબ ભાવવાહી રચના

  14. Poonam said,

    January 16, 2022 @ 2:08 PM

    “ પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’.

    – અખિલ શાહ – ek saval Ma ket ketala bhaav chupaya…

  15. Kajal kanjiya said,

    January 17, 2022 @ 2:10 PM

    👌👌👏👏💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment