ઊઠીને બારી ઉઘાડી તેં સૂર્ય જોયો ને
સવારનેય સવારે જડી ગયું છે કોઈ
– ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુક્તક

મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




30 જાન્યુ. 2000 -હસમુખ પાઠક

વીસમા   શતકે   કાંધે   લીધી   સૌ
                માંધાતાની   લાશ,
પણ   હ્રદયે  કેવળ ધર્યો નર્યો એક
                માણસ મોહનદાસ.

Comments

ફાંસ વાગતી રહે -રમેશ પારેખ

પ્રસંગની  શૂન્યતા  જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન  ટૂટતા  રહે  ને  આંખ જાગતી રહે
બારીઓ  ખૂલે  નહીં  ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની  ફાંસ વાગતી રહે

-રમેશ પારેખ

Comments (1)

મુહોબ્બતના સવાલોના – શેખાદમ આબુવાલા

મુહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા;
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની,
બધાયે ઝેર પીનારા કંઇ શંકર નથી હોતા.

– શેખાદમ આબુવાલા

Comments

ઝાંઝવાઓની યુક્તિ -‘સાબિર’ વટવા

પ્રાણતરસ્યા રણની ચીસો સાંભળી,
ઝાંઝવાઓએ એ અજબ યુક્તિ કરી:
એક તરફ છિપાઈ ગઈ રણની તૃષા
જળ-વલખતા મૃગને પણ મુક્તિ મળી.

-‘સાબિર’ વટવા
(“ધ્રૂજતી પ્યાલી”)

Comments

સફેદ -રમેશ પારેખ

આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ

– રમેશ પારેખ

Comments

રાખે – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

Comments (2)

જીવન – અમૃત ‘ઘાયલ’

જીવન જેવું  જીવું છું,  એવું  કાગળ પર  ઉતારું છું;
ઉતારું   છું,   પછી   થોડું   ઘણું   એને   મઠારું   છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને   તું   જીવે   છે,  હું   જીવીને  વિચારું છું.

– અમૃત ‘ઘાયલ’

Comments (7)

વિના આવીશ મા ! -શેખાદમ આબુવાલા

જા   ભલે   અંધારઘેર્યા   આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું   જો   હોય   દિલમાં   ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા
‘ચાંદની’

Comments

આપો મને ખબર -નયન દેસાઈ

આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

-નયન દેસાઈ

Comments (1)

તાજમહાલ

દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે

-શેખાદમ આબુવાલા

આજે શે.આ.નું અમર મુક્તક પેશ છે. તાજમહાલને જોઈને પ્રણયકાવ્યો તો હજારો લખાયાં છે. પણ અહીં તો અલગ જ વાત છે. આ મુક્તક સાથે જ સાહીર લુધીયાનવી ની નઝમ તાજમહલ (link) વાંચવા જેવી છે. સાહીરનો આક્રોશ તો શેખાદમથી પણ વધારે છે.

Comments (6)

કિસ્સો (મુક્તક) -મુકુલ ચોકસી

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

Comments (7)

ગાંધી – શેખાદમ આબુવાલા

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

Comments (5)