એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નયન દેસાઈ

નયન દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અથશ્રી હોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

કવિ નયન દેસાઈ જીવનની ભાતીગળ વાતોને કળાત્મક રીતે લાક્ષણિક શબ્દોમાં ઢાળીને કહેવાની હથોટી ધરાવે છે. આ પહેલી નજરે અસ્પષ્ટ ભાસતા ગીતમાં આપણા ‘હોવાપણા’ની વાત નયનભાઈ અભૂતપૂર્વ સહજતાથી લઈને આવ્યા છે. આપણું હોવું શું છે એ પ્રશ્નનો ઉત્તર તો એ ધ્રુવપંક્તિમાં જ આપી દે છે… બે હાથ જોડીને રોવું, એ જ છે આપણું હોવું…

માંહ્યમાં કંઈ ન હોય તો આંસુ અને માંહ્ય માલામાલ હોય તો પીડા, આજ છે આપણી દ્વિધા. અભરે કે સભરે, માણસો સદાકાળ તરફડતા જ રહેશે કારણકે તન-મન-શ્વાસ અને એ રીતે આ જીવનનો રસ્તો કંઈ આસાન નથી… એ તો તાપ સમો આકરો કે પર્વત સમો દોહ્યલો અને બાકી હોય ત્યાં દુર્ગમરીતે ખડકાળ છે. પડછાયાની પાછળ દોડવાથી નથી કશું હાંસિલ કે નથી કશું મળવાનું એને પાણી પાઈ પાઈને પોષવાથી…

જીવનને ફૂલની પાંદડી સમું નાજુક અને સુંવાળું ગણીએ તો એનો રસ ચૂસવા માટે કૈંક ભમરા ટાંપીને જ બેઠા છે એ ભૂલાવું ન જોઈએ. ફૂલના નસીબમાં માત્ર સુવાસ જ ક્યાં છે, ડાળ પરના કાંટા પણ તો છે… ઝાકળ પોતે ક્ષણાર્ધ માટેની વાસ્તવિક્તા છે, જે પ્રભાતના પહેલા કિરણ સાથે જ વિલોપાઈ જશે… અને દર્પણ એટલે આભાસ… આપણું હોવાપણું એટલે ઝાકળ સમી ક્ષણભંગુરતાને દર્પણના આભાસથી જોવાની અર્થહીન ચેષ્ટા….

આપણા સંબંધો પણ આપણા હોવાપણાની જેમ જ શિથિલ છે… એ ઢીલા પડી ગયા છે… પરસ્પર આળ ચઢાવવાની ઢીલાશથી વધુ ચુસ્તતા આપણે જવલ્લે જ કોઈ સંબંધોમાં અનુભવીએ છીએ કેમકે આપણા સંબંધોના સૂર્યમાં સ્નેહની ઉષ્મા નથી… એમાં છે ઔપચારિક્તાની બર્ફિલી ટાઢક. વહેતા પાણીને પાણીથી ધોવાથી શું વળે? આપણું હોવું પણ શું આવું જ અર્થહીન નથી?

Comments (4)

મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ

દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…

નયન દેસાઈ

Comments (3)

રસ્તા પર સૂતેલા માણસનું ગીત – નયન દેસાઈ

અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને  તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ.  જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’,  ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)

Comments (3)

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

– નયન દેસાઈ

નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.

આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.

Comments (4)

સૂની પડી સાંજ

સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ  ઉમ્બર  પર  અધૂરી  સાંજ  આ  નાખી   ગયું.
-નયન દેસાઈ

(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )

Comments (5)

આપો મને ખબર -નયન દેસાઈ

આ સાંજ સાંજ હોય તો હું એનું દ્રશ્ય છું
ડૂબતા સૂરજના રંગનું જળહળ રહસ્ય છું
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા
આપો મને ખબર કોઈ કે હું અદ્રશ્ય છું

-નયન દેસાઈ

Comments (1)