સમણાં વીણવા હાલી -મહેશ મકવાણા
રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે ભેળી
હું ય ઘણી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
-મહેશ મકવાણા
મીઠું-મધુરું-થનગનતું-રણઝણતું ગીત. યુવાની તરફ ડગ માંડી રહેલી ને જાગતાં જાગતાંય સમણાં વીણી રહેલી સોળ વરસની મુગ્ધ કન્યાનાં દલડાંમાંથી ફૂટી નીકળેલી કૂણી કૂણી લાગણીને કવિશ્રીએ અદભૂત શાબ્દિક આકાર આપ્યો છે; જેની ભીતરનો ભાવ તો… પ્રેમબાણ વાગ્યા હોય તે જાણે ! 🙂