સમણાં વીણવા હાલી -મહેશ મકવાણા
રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે ભેળી
હું ય ઘણી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
-મહેશ મકવાણા
મીઠું-મધુરું-થનગનતું-રણઝણતું ગીત. યુવાની તરફ ડગ માંડી રહેલી ને જાગતાં જાગતાંય સમણાં વીણી રહેલી સોળ વરસની મુગ્ધ કન્યાનાં દલડાંમાંથી ફૂટી નીકળેલી કૂણી કૂણી લાગણીને કવિશ્રીએ અદભૂત શાબ્દિક આકાર આપ્યો છે; જેની ભીતરનો ભાવ તો… પ્રેમબાણ વાગ્યા હોય તે જાણે ! 🙂
ધવલ said,
November 18, 2009 @ 7:02 PM
ફૂલ-પાંખડીને બદલે સમણાં વીણવાની વાત ગમી ગઈ …
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.
– વાહ !
mrunalini said,
November 18, 2009 @ 10:23 PM
પ્રોફેસર મહેશ મકવાણાસાહેબ
બહુ જ સુંદર
નખશીખ ગીત કાવ્ય પ્રકાર કદાચ આને જ કહેવાતો હશે ?
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.
કદાચ છાપવામાં દઝાડીને બદલે દાઝાડી લખાયુમ છે?
pragnaju said,
November 18, 2009 @ 10:37 PM
. .છાબડી મારી છલકે ભેળી
હું ય ઘણી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
વાહ્
પ્રો મહેશ મકવાણા પથ્થરો ફૂલ બન્યાની વાત કંઇક આ રીતે કરે છે
કલકલ ઝરણું, ઝળહળ રસ્તો,ઝીણું ઝાંઝર ગાન.
પથ્થર પથ્થર ફૂલ બન્યાની મૌસમ છલકે આજ.
આંખે સમાય એટલું આકાશ હોય બસ,
ને હો જમીન પગતળે તો પણ ઘણુંય છે.
આવી મઝાની બીજી રચનાઓ પણ મૂકવા વિનંતિ
Hiral Vyas "Vasantiful" said,
November 18, 2009 @ 10:57 PM
ખુબ જ સુંદર ગીત.
સોળ વરસની કન્યાનું જાણે કે શબ્દ દેહ સામે હોય એમ લાગે છે.
manhar m.mody ('mann' palanpuri) said,
November 18, 2009 @ 11:40 PM
કેવું સુંદર ગીત !!! મહેશભાઈ, આ ગીત આપના કંઠે વારંવાર સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને જેટલી વાર સાંભળ્યું તેટલી વાર નવું લાગ્યું છે.
ઈશ્ક પાલનપુરી said,
November 19, 2009 @ 5:43 AM
મહેશભાઈના ગીતોમાંથી મને વધું ગમતું ગીત છે ,ગીત કાવ્યપ્રકાર કદાચ આને જ કહેવાતો હશે !અભિનંદન અને શુભેચ્છાઓ! કવિશ્રી પ્રો.મહેશભાઈ અને ઉર્મિબેન તથા લયસ્તરોના સંચાલકોને
કાવ્યરસિકોને જણાવવાનું કે મહેશભાઈ ગઝલ પણ સરસ લખે છે થોડીકે એમની વધું રચના વાંચવી હોય તો pls visit http://sspbk.wordpress.com
BB said,
November 20, 2009 @ 8:09 AM
Beautiful wordings . it is so emotional. yes u need to have that feelings. Sunder ati sunder. would like to read more from Maheshbhai.
Faruque Ghanchi (Babul) said,
November 24, 2009 @ 5:12 PM
ખૂબ સુંદર ઉર્મિગીત… પ્રત્યેક પંક્તિ ભાવવાહી બની છે! એમને રિમિક્ષ કરી જોઇએ તો વળી વધુ રોમાંચક લાગે છે.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી…
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
વિવેક said,
September 22, 2012 @ 8:28 AM
ફાગણની પૂનમ-રાતે અભિસારે નિસરતી કાવ્યનાયિકાને અડધી રાતના એકાંતનો ડર નથી. સાથે સહેલીને લઈને તો નીકળાય નહીં એટલે એ હવાનો હાથ ઝાલીની નીકળી છે. દિવસનો સમય ભલે છાણાં વીણવાનો હોય પણ રાત તો સપનાં વીણવા માટે જ હોવાની.
ખૂબ મજાનું ગીત…