અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 28, 2005 at 3:33 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે તારી જગા એ જીભ પર
હવે એનું નામ આવ્યું છે…
અલ્લાહ ! આ કોણ આવ્યું છે
કે લોકો કહે છે
મારી તકદીરના ઘરેથી
મારો પયગામ આવ્યો છે…
અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ નસીબ ધરતીનું
કે એના સૌંદર્યની લીલા તમામને
ખુદાની એક સલામ આવી છે…
અલ્લાહ ! આ કોણ આવ્યું છે
આ દિવસ મુબારક છે
કે મારી જાત પર
હવે ઈશ્કનો આરોપ આવ્યો છે…
અલ્લાહ ! આ કોણ આવ્યું છે
નજર પણ ચકિત છે
કે આજે મારા રસ્તામાં
આ કેવો મુકામ આવ્યો છે.
-અમૃતા પ્રીતમ
Permalink
July 23, 2005 at 3:15 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !
-જયન્ત પાઠક.
Permalink
July 21, 2005 at 2:10 PM by ધવલ · Filed under અછાંદસ, પુ. શિ. રેગે, સુરેશ દલાલ
પક્ષી ગાતું નથી
પોતાની સીમાઓની કક્ષાનો ઉદ્ ઘોષ કરે છે.
સિંહ ત્રાડ પાડતો નથી
પોતાની હકૂમત કયાં ક્યાં છે તેનો આદેશ કરે છે.
હાથી વૃક્ષો સાથે અંગ ઘસતો નથી
પોતાના પ્રદેશની સીમા નક્કી કરે છે.
હું કવિતા કરતો નથી
મારા-તારા મનને પામું છું.
-પુ.શિ.રેગે
(અનુવાદ: સુરેશ દલાલ)
Permalink
July 18, 2005 at 4:24 PM by ધવલ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડનાવલના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં ન પાડી શકાય.
ભીંજાવું અને દાઝવું એક જ છે.
સાગરના તળિયેથી જયારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી
હું કવિ છું.
જે છે તે કેવળ મારી આંખોમાં.
-સિતાંશુ યશશ્ચંદ્ર
Permalink
June 29, 2005 at 5:16 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.
પુષ્પો, પ્રુથ્વીની ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા;
તેજના ટાપુઓ, સંસ્થાનો માનવીઅરમાનનાં;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.
ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે ?
કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા ?
જોઉં છું હું, દુર્ગમ છે, દુર્લભ છે
પૃથ્વીના સૌ પદાર્થોમાં એ પદાર્થ.
કયારેક તો શબ્દમાં જ સરસ્વતી લુપ્ત થતી.
ક્યારેક હોલવાયેલા હૈયાની વાસ અકળાવી રહે,
કયારેક વળી અર્ધદગ્ધ ખયાલોનો ધૂંવા ગૂગળાવી રહે.
ખરે જ છે દુર્વાપ કવિતાપદાર્થ.
ઘરની સામેનો પેલો છોડ વધી વૃક્ષ થયો.
ટીકીને જોયા કર્યો છે મેં વારંવાર એને.
એને જાંબુ આવ્યાં, ને મને આંસુ;
વધ્યો ને ફળ્યો એ, હું વધ્યો ફાંસુ.
ખાઉં છં, પીઉં છું, ખેલું છું, કૂદું છું.
બહોળો આ ધરતી માતાનો ખોળો આ ખૂંદું છું.
ક્યાં છે કવિતા ?
-ઉમાશંકર જોશી.
Permalink