ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર
– સ્વાતિ નાયક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ગુલામ અબ્બાસ ‘નાશાદ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શ્વાસોની સફર – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

લગભગ બધા જ શેર મનનીય… સહજસાધ્ય ગઝલ.

Comments (4)

ગઝલ – ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘

ગઝલ લખુ છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.

પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.

પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.

સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.

જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.

જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.

આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.

નિહાળો દૂરથી નાશાદ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.


ગુલામ અબ્બાસ
નાશાદ

સમય નો પ્રહાર તો અણધાર્યો હોવાનો અને સતતપ્રતિપળ સમયની આંખમાં આંખ મેળવી રાખવું પણ કંઈ શક્ય તો નથી જ. આ વાસ્તવિક્તા છે પણ કવિની કલ્પનાને કોણ રોકી શકે? સમયની વાત હોય કે પછી જીવનની કે પ્યારની કે પીડાની વાત હોય સાવ સામાન્ય ભાસતી વાતને અનાયાસે અસામાન્ય કરી દે એનું જ તો નામ છે કવિતા!

Comments (5)