રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી 'બેફામ'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભક્તિપદ

ભક્તિપદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેમરસ – દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo

સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo

સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo

એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo

-દયારામ

કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…

(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી)

Comments (1)

વારી વારી જાઉં રે – જીવણદાસ (દાસી જીવણ)

વારી વારી જાઉં રે
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર

ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી ના’વું રે. – વારી0

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – વારી0

શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. – વારી0

દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. – વારી0

-જીવણદાસ (દાસી જીવણ)

ઈસવીસનની અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે 1755)ના આ કવિ ભક્તિરસમાં એટલા તરબોળ હતા કે નામ જીવણદાસ હોવા છતાં દાસી જીવણ તરીકે ઓળખાતા. રવિભાણ સંપ્રદાયના આ કવિને પ્રભુવિરહનાં આરતભર્યાં પદ-ભજન ખાસ હસ્તગત હતા. સંતપરંપરાના કવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાભક્તિને તળપદા વાણીવળોટો, રૂપકો અને હિંદીની છાંટ સાથે સુંદર વાચા આપી છે.

Comments (1)

નાવિક વળતો બોલિયો – ભાલણ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.

-ભાલણ.

ઈ.સ.ની 15 સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની ભાલણ ઘણીરીતે આપણા સાહિત્યમાં ધ્રુવસ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની ‘કાદંબરી’નો એમણે સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ભાલણ ‘આખ્યાનનો પિતા’ પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથા-વસ્તુ લઈને એણે સૌપ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ એ પ્રથમ કવિ. એમનું ‘નળાખ્યાન’ ખૂબ પ્રસિદ્ધ છે. એમના પદોમાં કૃષ્ણભક્તિ અને વિશેષતઃ રામભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્યભાવનું અદભૂત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શીલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનના ચરણ પખાળવાનો મોકો આડકતરી રીતે માંગી લેતા નાવિકની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે.

Comments (2)

અજવાળું, હવે અજવાળું – દાસી જીવણ ( જીવણ સાહેબ)

અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.

સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. – ગુરુ આજ

જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. – ગુરુ આજ

ખીમ*ને ભાણ* રવિ* રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. – ગુરુ આજ

દાસી જીવણ સત ભીમ*નાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . – ગુરુ આજ

દાસી જીવણ ( જીવણ સાહેબ)

( *= ગુરુઓના નામ )
18મી સદી ઉત્તરાર્ધના, રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ. દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા.

Comments (1)

શબ્દોત્સવ – ૬: ભજન: સમય મારો સાધજે વ્હાલા !

સમય મારો સાધજે વ્હાલા ! કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે, ત્યારે નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન. – સમય મારો સાધજે વ્હાલા ….

જીભલડી મારી પરવશ થાશે, હારી બેસું હું હામ
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ. – સમય મારો સાધજે વ્હાલા….

કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરી શોર. – સમય મારો સાધજે વ્હાલા ….

આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લ્હાણ,
શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ‘પુનીત’ છોડે પ્રાણ . – સમય મારો સાધજે વ્હાલા …. 

–  સંત પુનીત

Comments

હરિ ગીત – રવીન્દ્ર પારેખ

હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.

અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.

ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?

કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !

-રવીન્દ્ર પારેખ

અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…

Comments (3)

પદ – નાથજી ગોપાળજી

(રાગ રામગ્રી)

વારંવાર વિચારતાં, અવગુણ એ મોટો;
કૃપણપણું જે આદરે, તેહનો ભવ ખોટો.               વારંવાર. ૧

સાથે તે હ જ આવશે, સુધારે વરશે;
જો વેળાં નહિ વાવરે, પછતાવો કરશે.                 વારંવાર. ૨

ધરણીનું ધરણી તળે, પરહાથી કે ચઢશે;
વણીક કને જો મૂકશો, દેવાળે પડશે.                    વારંવાર. ૩

ઘર માંહે સાંચ્યું હશે તે, ત્યમજ રહેશે;
જમકીંકર તે પંથમાં, ધિકદિક તાં કહેશે.               વારંવાર.  ૪

પાપ કરી એકઠો કરે, અધર્મનો માલ;
વહુજી પુઠે ન મોકલે, એક રતી કે વાલ.               વારંવા ર. ૫

ભાઈ મોકલશે નહિ, મોકલે ન કો પુત્ર;
પુત્રી મોકલશે નહિ, મોકલે નહિ મિત્ર.                  વારંવાર. ૬

… … … … … … … … … …
રજની થોડી વેશ બહુ, વાહશે ત્યાં વહાણું.            વારંવાર. ૭

લોભે લાગ્યો પ્રાણીઓ, હા દૈવ હા દૈવ;
માતાપિતા ગુરુ ઉપરે, મને દયા તે નૈવ.              વારંવાર. ૮

ધન તેડ્યું, ધર્મ છાંડીયો, માથે લીધો ભાર;
સાથે કો આવે નહિ, ચાલવું ન્યરધાર.                  વારંવાર. ૯

શંબલ સાથેનું કરો, દુસ્તર છે વાટ;
ઓળખીતો ત્યાંહા કો નથી, ત્યાંહા નથી તે હાટ.     વારંવાર.૧૦

ઉધારે મળશે નહિ, મારગ છે દૂર;
વળોટીઓ ત્યાં કો નથી, શબદ ઓ કેસુર.             વારંવાર. ૧૧

દાસપન કો રાખે નહીં, એક વીરજી સાહાય;
તેહેને સંતોખ્યાતણો, કાંઈ કરો ઉપાય.                વારંવાર. ૧૨

શી અભિલાષા જનની, અથવા શી પરની;
નાથજીને આશા ઘણી, એક લક્ષ્મીવરની.           વારંવાર. ૧૩

કવિ નાથજી ગોપાળજી વિશે જે છૂટક અને તૂટક માહિતી મળે છે એ પરથી એમ જણાય છે કે તેઓ ઈ.સ. 1630 થી 1710ની આસપાસના સમયગાળામાં થઈ ગયા હશે. અણહીલપુર પાટણના રહેવાસી અને જ્ઞાતે વડનગરા પટણી નાગર. 15 કડવાં (733 કડીઓ) ના ‘ચંડીપાઠ’ અને 35 કડવાં (1776 કડીઓ)ના ‘કાશીખંડ’ જેવા કાવ્યો ઉપરાંત થોડાં પદ મળી આવ્યાં છે જે અહીં પ્રસ્તુત છે. 300-400 વર્ષ પૂર્વેના ગુજરાતી સાહિત્ય વિશે આછો ખ્યાલ આ પદો પરથી મળી રહે છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ કહેવત આ પદમાંથી મળી આવી છે એમ જાણીએ તો આશ્ચર્ય ન થાય? લોભીની અહીંની ગતિથી પરલોક સુધીની અવગતિ આ પદોમાં સુંદર રીતે વણી લેવાઈ છે.

(કૃપણપણું= લોભ,  વાવરે=વાપરવું, જમકિંકર= યમદૂત, ધિકદિક= ધિક્કારવાચક ઉદગાર, દૈવ= નસીબ, નૈવ= જેમ નહીં, ન્યરધાર=નિરાધાર, શંબલ=ભાથું, પાથેય, સંતોખ્યાતણો=સંતોષ આપવા તણો)

Comments (1)

રામબાણ – ધનો

રામબાણ વાગ્યાં હોય તે જાણે !
પ્રભુના બાણ વાગ્યાં હોય તે જાણે;
ઓલ્યા મૂરખ મનમાં શું આણે ?
રામબાણ વાગ્યાં હોય તે જાણે !

ધ્રુવને લાગ્યાં, પ્રહલાદને લાગ્યાં,
તે ઠરીને બેઠા રે ઠેકાણે;
ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં,
એ તો વેદ-વચન પરમાણે.
રામબાણ o

મોરધ્વજ રાજાનું મન હરી લેવા
હરિ આવ્યા જે ટાણે;
લઈ કરવત મસ્તક પર મેલ્યું,
પત્ની
પુત્ર બેઉ તાણે. રામબાણ o

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને,
રાણોજી ખડ્ગ જ તાણે;
વિશના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા
એ તો અમૃતને ઠેકાણે.
રામબાણ o

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી,
ખેપ કરી ખરે ટાણે;
આગળ સંત અનેક ઓધાર્યા,
એવું ધનો ભગત ઉર આણે.
રામબાણ o

ધના ભગત ઈસ્વીસનની 19મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયાં. કેટલાક કવિ ફક્ત એક જ કવિતાથી ચિરંજીવ બની ગયાં છે. ધના ભગતનું નામ આ યાદીમાં જરૂર મૂકી શકાય. રામબાણ વાગ્યાં હોય તે જાણે આ ધ્રુવપંક્તિ જાણે આપણા વાણીકોશમાં દૂધમાં પાણી ભળે એમ ભળી ગઈ છે.  

Comments

મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઈ

મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઇ.

જાકે સિર મોર મુકુટ , મેરો પતિ સોઇ;
તાત માત ભ્રાત બંધુ , આપનો ન કોઇ… …મેરે

છોડ દઇ કુળકી કાન , કહા કરિ હૈ કોઇ;
સંતન ઢિંગ બૈઠિ બૈઠિ , લોક લાજ ખોઇ… …મેરે

ચુનરી કે કિયે ટૂક , ઓઢ લીન્હીં લોઇ;
મોતી મૂંગે ઉતાર , બનમાલા પોઇ… …મેરે

અંસુવન જલ સીંચિ સીંચિ , પ્રેમબેલિ બોઇ;
અબ તો બેલ ફૈલ ગઇ , હોની હો સો હોઇ… …મેરે

દૂધકી મથનિયાં , બડે પ્રેમસે બિલોઇ;
માખન જબ કાઢિ લિયો, છાછ પિયે કોઇ… …મેરે

ભગત દેખી રાજી હુઇ, જગત દેખી રોઇ;
દાસી મીરાં લાલ ગિરિધર , તારો અબ મોહી… …મેરે

Comments

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નારાયણનું નામ જ લેતાં
                      વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
                      લક્ષ્મીવરને ભજીયે રે…

કુળને તજીએ, કુટુંબને તજીયે,
                      તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
                      જેમ તજે કંચુકી સાપ રે…

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
                      નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
                      નવ તજીયા શ્રીરામ રે…

ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
                      તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
                      પામી પદારથ ચાર રે…

વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
                      સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
                      મોહનવરશું મ્હાલી રે…

તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.

Comments

ફાગુનકે દિન ચાર – મીરાંબાઈ

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે… 
મીરાંબાઈ

મીરાંબાઈ (આશરે 1500-1550) નો જન્મ મેડતા (રાજસ્થાન) અને લગ્ન મેવાડના રાજકુટુંબમાં. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું. મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી. હોળીના અવસર પર પ્રસ્તુત છે મીરાંબાઈનું એક સુંદર હોળીગીત.

Comments

ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

Comments (4)

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

Comments (13)

મેરે પિયા ! -સુન્દરમ

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.

-સુન્દરમ

Comments (5)

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

Comments (2)