સુરતથી મુંબઈ આવતાં દરિયામાં ચંદનીની શોભા – નર્મદ
(રેખતો)
આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા. આહા0
પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા. આહા0 ૦૧
શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા. આહા0 ૦૨
ઊંચે ભૂરું દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા. આહા0 ૦૩
નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા. આહા0 ૦૪
આજે શરદપૂર્ણિમા. શીતળ ચાંદનીમાં સપરિવાર બેસીને દૂધ-પૌંઆ ખાવાની રાત અને આવતીકાલના ઘારી-ભૂંસાની જ્યાફતની તૈયારી કરવાનો દિવસ. સુરતથી મુંબઈ આવતાં કવિ નર્મદે દરિયામાં નિહાળેલી ચાંદનીની શોભા માત્ર પાંચ પંક્તિમાં બહુ સ-રસ રીતે અભિવ્યક્ત થઈ છે.
પૂનમની રાત્રે શીતળ, મધુરી અને સુખદાયક ચાંદની પૂર્ણપણે ખીલી છે. પાણી ઉપર એનું પ્રતિબિંબ ઝીલી ધીમેધીમે આવતી દરિયાની લહેરો રૂડી લાગે છે. પાણી પર ચાંદની પડે ત્યારે જે તેજલીટી દેખાય એને કવિએ શશિલીટીનું નામ આપ્યું છે. પાણી પર થતું આ પ્રકાશલીટીનું હળવું હળવું કંપન ઉરને આનંદ આપનારું છે. ભૂરા આકાશ અને ભૂરા સમુદ્ર વચ્ચે રેલાતી ચાંદની જાણે એની મરજી મુજબ વર્તતી હોય એમ રંગો બદલતી દેખાય છે. કોઈ સુંદરી મનોહર દૃશ્ય નિહાળી નેણ ઠારી રહી છે, અને નર્મદ પણ પ્રકૃતિના રસપાનમાં ડૂબી ગયા છે…
*
નર્મદે પોતે પાદટીપમાં આપેલ અર્થવિસ્તાર:
ચંદા – ચંદની.
સુખકંદા – સુખનું મૂળ એવી.
મંદા – ધીમી ધીમી.
શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડાનાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે)
આનંદા – આનંદ આપનારી (શશિલીટી.)
સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાંની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.)
બંદા – પોતે (રસે ડુબ્યા-કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)