માણસ છું – નાઝીર સાવંત
માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું.
વહેંચણ વચ્ચે વહેંચણ થઇ વહેંચાઈ ગયેલો માણસ છું.
એ જ અમારું યૌવન છે, ભીનાશ તમારા આંગણની.
વાદળની ઝરમર થઈને, પથરાઈ ગયેલો માણસ છું.
દરદોને રાહત છે તો, ઉપચાર જરૂરી કોઈ નથી.
દુનિયાના જખમો જીરવી, રૂઝાઈ ગયેલો માણસ છું.
યત્ન કરો જો મનાવવાનો, તર્ત જ માની જાઉં છું.
અમથો અમથો આદતવશ, રીસાઈ ગયેલો માણસ છું.
‘નાઝીર’એવો માણસ છે,જે કેમ કરી વિસરાય નહીં.
જાતને થોડી ખરચીને, ખરચાઈ ગયેલો માણસ છું.
– નાઝીર સાવંત
લયસ્તરો પર આ ગઝલ નાઝિર દેખૈયાની ગઝલ તરીકે પૉસ્ટ કરી હતી પણ મિત્ર હિમલ પંડ્યા અને ફિરદૌસ દેખૈયાએ આજે જાણ કરી કે આ ગઝલ નાઝિરની જ છે પણ દેખૈયા નહીં, સાવંતની છે… ધ્યાન દોરવા બદલ બંને મિત્રોનો આભાર…