જીવતું રાખવા તાપણું આપણે,
ચાંપવું રોજ સંભારણું આપણે.
જયંત ડાંગોદરા

તરસ – સોનલ પરીખ

જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો

ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.

– સોનલ પરીખ

ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…

4 Comments »

 1. pragnaju said,

  May 12, 2011 @ 4:41 pm

  મઝાનું લયબધ્ધ ગીત
  દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
  એક ભીની તરસ છે એક સૂકી
  નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
  દરિયા કે રણમાં હો મૂકી
  તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
  થશે છલકાતી તળિયાની ફાટો
  લોહીના, સપનાના, આશના ખજાનાને
  બળબળતા પવનોમાં દાટો.
  સુંદર
  યાદ આવે
  સપના નહીં આંખોમાં ગોધુલિ ભરી છે
  પાદરે ભાંભરતા ગોધણની તરસ છીએ
  જિંદગી આભાસી જળની ઘટના છે ને નારાજ અમે હાંફતા હરણની તરસ છીએ

 2. Pancham Shukla said,

  May 12, 2011 @ 6:52 pm

  આ તૃષિત ગીત વાંચતાં જ ‘કોણે કીધું કે ગીત પોચાં ને ગળચટ્ટાં જોઈએ?’ પંક્તિ મનના ખૂણા ખણવા લાગી.

  આ કવયિત્રી વ્રણ ખોતરતી તેમજ સાહજિક સંવેદનાઓ નિર્દંભ રીતે પીરસી શકે છે. આ વાતની પુષ્ટિ કેટલી કૃતિઓથી મળે છે.

  ઊલટી રમતઃ
  http://layastaro.com/?p=4067

  અડોઅડઃ
  http://tahuko.com/?p=9916

  મને સપનાં ન આપઃ
  http://archive.readgujarati.com/sahitya2/2010/06/20/sapna-aap/

  કવિતાનો શબ્દઃ
  http://aksharnaad.com/2010/07/15/kavita-no-shabda-by-sonal-parikh/

  ઊઘડતી દિશાઓઃ
  http://archive.readgujarati.com/sahitya2/2010/07/24/ughadti-dishao/

 3. urvashi parekh said,

  May 12, 2011 @ 9:41 pm

  સરસ રચના,
  દરિયા ને રેતિ માં,જાંજવા અને રણ વચ્ચે વાળી વાત પણ સરસ.
  સોનલબેન ની રચનાઓ ખુબજ સરસ અને સુન્દર હોય છે,
  અભીનન્દન.

 4. sapana said,

  May 20, 2011 @ 5:32 pm

  લોહીના, સપનાના, આશના ખજાનાને
  બળબળતા પવનોમાં દાટો. સંવેદનાથી ભરપૂર..
  સપના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment