જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર

ગઝલ- સંજય પંડ્યા

નવી તાજી હવાની મહેક સાંગોપાંગ મળશે તો !
સુગંધી આવરણનો કેફ સાંગોપાંગ મળશે તો !

હું અશ્મિભૂત અવશેષો સમું મારું જીવન લઈને,
હજી શોધું વિધિના લેખ સાંગોપાંગ મળશે તો !

વરાળી શ્વાસનું સ્મારક અને તારા જ હસ્તાક્ષર,
હવે એ ફેફસાંમાં છેક સાંગોપાંગ મળશે તો !

જટા, ધૂણી, ભભૂતિ, આગ, ચીપિયા કે કમંડળમાં
અમારા પ્રેમની અહાલેક સાંગોપાંગ મળશે તો !

જળાશયની પ્રતિષ્ઠા આંખમાં અકબંધ રાખીને,
જુઓ ભીનાશનો આલેખ સાંગોપાંગ મળશે તો !

– સંજય પંડ્યા

મુંબઈગરા સંજય પંડ્યા માત્ર દેખાવે જ ફિલ્મ સ્ટાર જેવા નથી, એમની કવિતાઓ પણ એટલી જ સોહામણી છે. મુંબઈની ભીડમાં ભીંસાતા હોવા છતાં એમની કવિતામાં ગામડું અને ગામઠી ભાષા જ ઠેર-ઠેર પથરાયેલાં જોવા મળે છે. તળપદી ભાષા પર હથોટી એ સંજયના ગીત-ગઝલોની વિશેષતા છે. અને છતાં આધુનિક્તાથી યે એ લગીરે વેગળાં નથી જ. એક-બે બીજા શેર પણ મમળાવીએ:

મેઈલ કરું છું લાગણી, ટાઈપ કરું છું વ્હાલ,
કમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ !

બળતી સિગાર જેવી અડધી હશે બળેલી,
બે આંગળીની વચ્ચે ઘટના જ પડતી મેલી.

2 Comments »

 1. Meena Chheda said,

  July 2, 2006 @ 10:45 pm

  બળતી સિગાર જેવી અડધી હશે બળેલી,
  બે આંગળીની વચ્ચે ઘટના જ પડતી મેલી.

  rakh khankherta jaanyu ke ..
  zindgi j khankheraai gayi…

  maan ne sparshi ne pasaar thai gayi aem nathi kahi sakti … maan ma rahi gayi aa vaat…
  sathe j … Amrita Pritam ni yaad aawi gayi.

  Meena

 2. Pinki said,

  April 10, 2008 @ 5:09 am

  વાહ્.. ખૂબ સરસ…. !!

  વળી,
  મેઈલ કરું છું લાગણી, ટાઈપ કરું છું વ્હાલ,
  કમ્પ્યુટરના ગાલ પર ટશરો ફૂટશે લાલ !
  બેમિસાલ…….!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment