મંદિર અંદર રાડ પડી છે,
ધર્મો કરતાં ધાડ પડી છે.
– હરદ્વાર ગોસ્વામી

મારા ઉરે કોઈ અબૂઝ વેદના – હરિશ્ચંદ્ર ભટ્ટ

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.

તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

-હરિશ્ચંદ્ર ભટ્ટ

સર્જનપ્રક્રિયાને બખૂબી વર્ણવતું સચોટ લઘુકાવ્ય.

સર્જન એટલે એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ. કવિ કાવ્ય કરે ત્યારે બ્રહ્મા સાથે તાદાત્મ્ય સાધતો હોય છે પણ સર્જન પૂર્ણ થતાં જ એ પાછો સાધારણ મનુષ્ય -ભાવક- બની જતો હોય છે. આ એક સ્થિતિમાંથી બીજીમાં થતી ગતિ એટલે કે યુગાન્તર અણદીઠ છે… આવા અણદીઠની સતત વાંછના અને કળી ન શકાય છતાં વર્ષો સુધી અંતરને તાવ્યા કરતી કોઈક અગમ્ય વેદના એ સર્જનની કાચી સામગ્રી છે. પણ માતા સરસ્વતીની કૃપા વિના બધું અધૂરું છે. માની કૃપા ઉતરે એટલે સર્જક એક ભવમાં જાણે બીજો ભવ પામે અને એનું દારિઢ્ર્ય દૂર થાય છે… વળી અધૂરાં ગીત પૂરાં કરવા ફરી ફરીને જન્મ લેવાની ઈચ્છા સિસૃક્ષાની ચરમસીમાનું દ્યોતક છે.

આ સાથે સર્જનપ્રક્રિયા પર જ બ.ક.ઠાકોરનું ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ સૉનેટ ભણકારા પણ જોવા જેવું છે.

(દ્વિજ= બે વાર જન્મેલ, બ્રાહ્મણ, દૈન્ય= ગરીબી)

5 Comments »

  1. Kirtikant Purohit said,

    June 21, 2009 @ 1:35 AM

    આવી સરસ કવિતા ખોળી કાઢી ભાવકોને અવગત કરાવવા બદલ સંપાદકને અભિનંદન.

  2. pragnaju said,

    June 21, 2009 @ 7:44 AM

    તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
    માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
    રહે અધૂરાં અવ ગાન મારાં
    ફરીફરી જન્મ લઈ કરું પૂરાં
    અને નાદ સંભળાયો

    દિવા – અબૂઝ – મુક્તિના,
    તિમિર-રાહ પે ચેતવ્યાં અભેદ બજી નૌબતો,
    દિશદિશે ગીતો મુક્તિના- …..
    તારી હૈયાની વેદના જણાવજે,.
    છાની હૈયાની વેદના જણાવજે …..
    મારે દ્વારે દોડી દોડી આવજે !

  3. mrunalini said,

    June 21, 2009 @ 8:00 AM

    યુગાન્તરોની અણદીઠ વાંછના
    મથી રહી સર્જન પામવા નવાં.

    અનુભૂતિ કરે સમજાય

    તેનાં હ્રદયમાં કંઇક ગુઢ વેદના હતી…
    અને
    તેની વિષાદ છાયાં તેનાં મોં પર વ્યાપી ગઇ હતી. …..
    શેં જરાના અંધકારમાં ભળી જવા અગાઉ –
    કાર્યસદ્દ કરી પ્રકાશની ભરી લઊં –
    અબૂઝ રંગ જ્યોત હું …

  4. પંચમ શુક્લ said,

    June 21, 2009 @ 5:55 PM

    કાવ્ય તો ઉત્તમ છે જ પણ આ આસ્વાદ વિના એને આટ્લું જલદી (અને આટલી સૂક્ષ્મતાથી) ગ્રાહ્ય કરવુ કષ્ટસાધ્ય જ હોત.

  5. ઊર્મિ said,

    June 23, 2009 @ 9:14 AM

    સાચી વાત કરી પંચમભાઈએ… આ સુંદર કાવ્યને આટલા મજાનાં રસાસ્વાદ વિના પૂરેપૂરું માણી જ ન શકાત !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment