પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રફુલ્લ નાણાવટી

પ્રફુલ્લ નાણાવટી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લીધું નહિ – પ્રફુલ્લ નાણાવટી

પાત્ર છલકાતું રહ્યું પીધું નહિ,
આચમન સરખુંય કૈં લીધું નહિ.

આંખમાં આદર દીઠો તો એટલો,
ખાસ જે કહેવા ગયો કીધું નહિ.

આજ વસ્તુની ખટક રહી ઉમ્રભર,
જે તમે માગ્યું અમે દીધું નહિ.

એ જ એની ખાસિયત કાયમ રહી,
સોંપવું છે પણ કદી સીધું નહિ.

ઘૂંટ કડવા કેટલા પીશે પ્રફુલ્લ,
વેણ કડવું કોઈને કીધું નહિ.

– પ્રફુલ્લ નાણાવટી

પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ-લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી. આધુનિક ગઝલો આવી કોઈ આધાર-રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે. પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે. છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી. મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી, પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે.

Comments (18)

અમે પણ – પ્રફુલ્લ નાણાવટી

સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.

નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.

ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.

ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.

હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.

– પ્રફુલ્લ નાણાવટી

વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!

Comments (9)